સત્યનારાયણ મંદિર પાસે આવેલી ડેરીમાં 30 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું


એસ.ઓ.જી.ની ટીમે તહેવારો પહેલા ઘીમાં ભેળસેળ કરતો વેપારી પકડી પાડ્યો: ફૂડ એન્ડ ડ્રગ્સ કાયદા હેઠળ થઈ કાર્યવાહી

પોરબંદર જિલ્લામાં 30 કિલો નકલી ઘી સાથે એક ઈસમ મળી આવ્યો છે.
પોરબંદર જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે પોરબંદર એસ.ઓ.જી. દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે દરોડો
પોલીસ ઇન્સપેકટર એમ.એન. જાડેજાની સૂચનાથી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. દરમ્યાન એએસઆઈ આર.એસ. ચાંઉ તથા હેડ કોન્સ્ટેબલ એમ.આર. ગોરાણીયાને બાતમી મળેલ કે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સત્યનારાયણ મંદિર પાસે, દેવદર્શન એપાર્ટમેન્ટ નીચે આવેલ “યોગી ડેરી”માં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી નો જથ્થો છે.
30 કિલો ઘી કબ્જે
ઉક્ત બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે યોગી ડેરીમાં તપાસ હાથ ધરતા ત્યાં હાજર મળી આવેલ ઇસમ વિજયભાઈ નટવરભાઈ કોટેચા, ઉ.વ. 57, રહે. કડીયાપ્લોટ શેરી નં. 7, પોરબંદર ની પૂછપરછ કરી ડેરીમાં તપાસ કરતા 15-15 કિલોની ક્ષમતાના 2 ડબ્બા મળી કુલ 30 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું.
તુરંત જ ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરવામાં આવતા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર આવી શંકાસ્પદ ઘીના નમૂના (સેમ્પલ) તપાસણી અર્થે કબ્જે કરી સમગ્ર 30 કિલો જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.ઈન્સ. એમ.એન. જાડેજા, એએસઆઈ મહેબુબખાન બેલીમ દિપકભાઈ ડાકી એ.એસ.આઈ. રવિન્દ્રભાઈ ચાંઉ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા ભરતસિંહ ગોહિલ ભીમાભાઈ ઓડેદરા અરજણભાઈ ઓડેદરા પો.કોન્સ. સરમણભાઈ ખુંટી ગીરીશભાઈ વાજા વગેરે રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ