રાજ્યના સૌથી મોટા સાયબર પિરામીડ કૌભાંડમાં પોરબંદરવાસીઓના પણ કરોડો સલવાયા!

એસ.ડી. પે.માં 1598 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યુ છે પરંતુ પોરબંદરમાં હજુ સુધી એકપણ પોલીસ ફરિયાદ નહી થતા આશ્ર્ચર્ય !: અનેક શિક્ષકો, શિક્ષક યુગલોથી માંડીને ગૃહિણીઓ અને સુશિક્ષિત યુવતીઓની રકમ પણ ફસાઇ: અમુકે દાગીના વેચીને તો કોઇએ વ્યાજે નાણા લઇને કર્યુ હતુ રોકાણ: પોરબંદર પોલીસ મદદરૂપ બનવા તૈયાર પણ ફરીયાદ કરવા કોઇ આગળ તો આવવુ જોઇએ ને? !

રાજ્યના સૌથી મોટા
સાયબર પિરામીડ કૌભાંડમાં પોરબંદરવાસીઓના પણ કરોડો સલવાયા છે. એસ.ડી. પે.માં 1598 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યુ છે પરંતુ પોરબંદરમાં હજુ સુધી એકપણ પોલીસ ફરિયાદ નહી થતા આશ્ર્ચર્ય થયુ છે.
અમરેલીમાં કૌભાંડની ફરીયાદ
અમરેલી જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ ટીમે ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને કેટલાક દિવસ પહેલા અને એસ.ડી. પે. સહિત મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટૂંકા સમયમાં રકમ ડબલ ની લાલચ આપીને દેશભરના 1.75 લાખ લોકો પાસેથી રૂા. 1598 કરોડ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી છે. આ કૌભાંડમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના લાખો લોકો ફસાયા છે.આ કેસમાં પોરબંદર જિલ્લામાં પણ અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું ખુલવા પામ્યું છે. મળતી માહિતી મુજબ પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય શિક્ષકો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને ઘરે બેઠા ટકે-ટકનું કામ કરતા લોકો મફત રૂપિયા કમાવવાની લાલચે આ જાળમાં ફસાયા છે. લોકોએ રૂા. 5 હજારથી લઈને લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે.
પોરબંદરમાં એક પણ
ફરિયાદ નહીં
અમરેલી પોલીસે દેશભરમાં 185 જેટલી સાયબર ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ પોરબંદર જિલ્લામાં આટલા મોટા કૌભાંડમાં હજુ સુધી એક પણ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. લોકો આબરૂ જવાના ડરથી અથવા રકમ નાની હોવાથી ફરિયાદ કરવા આગળ આવતા નથી. જેના કારણે પોલીસને કાર્યવાહી કરવામાં અડચણ આવી રહી છે.પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે, ભલે તમે રૂા. 1000 જ ગુમાવ્યા હોય, તો પણ આગળ આવો અને ફરિયાદ નોંધાવો. તમારી ફરિયાદથી જ તમારા પૈસા પાછા મળવાની શક્યતા વધશે.
રોકાણમાં વળતરની લાલચનું ગણિત
આરોપીઓએ અલગ અલગ કંપનીઓ બનાવીને આખું નેટવર્ક ઉભું કર્યું હતું. લોકોને રોકાણ પર દૈનિક કેશબેક આપવાની લાલચ આપી હતી. રૂા. 1,000 થી રૂા. 25,000 ના રોકાણ પર દૈનિક 0.15%, રૂા. 25,000 થી રૂા. 1 લાખ પર દૈનિક 0.20%, રૂા. 1 લાખથી રૂા. 5 લાખ પર દૈનિક 0.25%,રૂા. 5 લાખથી વધુના રોકાણ પર દૈનિક 0.30%, રૂા. રેફરલ યોજનામાં 15 લેવલ સુધી બોનસ ઉપરાંત બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ જેવી સેવાઓનો ઉપયોગ કરવાની સુવિધા આપી વિશ્ર્વાસ કેળવ્યો હતો. એક વ્યક્તિ પોતાના રેફરલથી 271 લોકોને જોડે તો તેનું નેટવર્ક સીધું દોઢથી બે લાખ લોકો સુધી પહોંચી જતું હતું. પ્લે સ્ટોર પર આ એપના 10 લાખથી વધુ યુઝર્સ હતા.
નાણાં સગેવગે કરવા 7 બોગસ કંપનીઓ ઉભી કરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નાણાં મેળવવા અને તેને ફેરવવા માટે 7 અલગ-અલગ બોગસ (શેલ) કંપનીઓ ઉભી કરવામાં આવી હતી અને તેના નામે 15 બેન્ક ખાતાઓમાં રૂ. 634 કરોડ અને બાદમાં તપાસમાં કુલ 18 ખાતામાં રૂા. 1598 કરોડ જમા થયા હોવાનું ખુલ્યું છે. વધુ 35 બેન્ક એકાઉન્ટની તપાસ ચાલુ છે.આ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે મહેસાણાના ધવલ પટેલનું નામ ખુલ્યું છે. અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર ધવલ ગોવિંદભાઈ પટેલ (ઉ.વ. 36, રહે. માણકેજ, તા. ખેરાલુ, જિ. મહેસાણા) – મુખ્ય સૂત્રધાર, આશિષભાઈ છગનભાઈ ગેડિયા (ઉ.વ. 38, વેપારી, રહે. સુરત, મૂળ વસોટ ગામ, અમરેલી), ભાવેશભાઈ ધીરૂભાઈ ચૌહાણ (ઉ.વ. 41, રહે. સુરત, મૂળ અમરેલી), નીશી સત્યનારાયણ પ્રસાદ (ઉ.વ. 47, રહે. મહેસાણા, મૂળ બિહાર), સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા (ઉ.વ. 25, રહે. મહેસાણા), નિરવકુમાર અરવિંદભાઈ પટેલ – શિહોરા (ઉ.વ. 32, રહે. રાતેજ, બલોલ, મહેસાણા),સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ-રાજપૂત (ઉ.વ. 24, એસ.ડી. હબ કંપનીનો ડિરેક્ટર, રહે. ગાંધીનગર), હિતેન મુકેશભાઈ શાહ (ઉ.વ. 34, રહે. વડોદરા), પ્રેઝન્ટેશન ટ્રેનર તરીકે કામ કરતોભાવેશભાઈ અરવિંદભાઈ ધનેચા (ઉ.વ. 53, રહે. વિરાર, મહારાષ્ટ્ર), આ સિવાય વધુ 11 આરોપીઓ ફરાર છે, જેમની શોધ ચાલુ છે. પોલીસે અત્યાર સુધી 242 સાક્ષી-પીડિતોના નિવેદનો નોંધ્યા છે. એન.સી.સી.આર.પી. પોર્ટલ પર 12 બેન્ક ખાતા સામે 83 સાયબર ફ્રોડની ફરિયાદો મળી છે.
પોરબંદરવાસીઓને
તાત્કાલિક અપીલ
જો તમે પણ એસ.ડી. પે અથવા અપના એપમાં રોકાણ કર્યું હોય તો ડર્યા વગર તાત્કાલિક પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઇએ. તમારા મોબાઈલમાં રહેલા એપના સ્ક્રીનશોટ, પેમેન્ટના સ્ક્રીનશોટ, બેન્ક સ્ટેટમેન્ટ લઈને આવો. અને કાયદેસર કાર્યવાહી કરી તમારા રૂપિયા પરત અપાવવા પોલીસ પ્રયત્ન કરશે.પરંતુ તેના માટે ફરીયાદ નોંધાવવા લોકોએ આગળ આવવુ જોઇએ તે ઇચ્છનીય છે.

કેન્દ્રીય શ્રમમંત્રીના મત વિસ્તાર પોરબંદરમાં
બેકારીના કારણે લોકો વધુ ફસાયા !
કેન્દ્રીય શ્રમમંત્રી ડો. મનસુખ માંડવીયાના મત વિસ્તાર પોરબંદરમાં ખાસ કોઇ મોટા ઉદ્યોગો નથી જેથી બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે તેથી કામ કર્યા વગર મફતમાં વોલેટમાં પૈસા જમા થઇ જશે તેવી અપાયેલી લાલચને કારણે પોરબંદરમાં કરોડો રૂપિયા ફસાઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યુ છે. પરંતુ હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવતુ નથી તે બાબત શરમજનક છે. કારણકે ઉછીના ઉધારા કરીને, વ્યાજે પૈસા લઇને, દાગીના વહેચીને પણ એસ.ડી. પેમાં રોકાણ કરવામાં આવ્યા હતા અને હવે પૈસાનું બુચ લાગી ગયુ છે તેમ છતાં ફરિયાદ નોંધાવવા માટે પણ લાજ કાઢવી પડતી હોય તો આ બાબત ચિંતાનો વિષય છે

ફટાફટ વોટસએપ ગૃપો ડીલીટ થવા લાગ્યા !
પોરબંદરમાં પણ એસ.ડી. પે.માં અસંખ્ય લોકોએ રોકાયણ કર્યા હતા અને તેના વોટસએપ ગૃપો નિયમિત રીતે કાર્યરત હતા. જેમાં લીંક શેર કરવામાં આવતી હતી અને રાત્રિના સમયે ઝૂમ મીટીંગ દ્વારા રોકાણકારોને માર્ગદર્શન આપવામાં આવતુ હતુ અને તેમાં નિયમિત રીતે વધુ લોકો હાજર રહે તેવી સલાહ આપવામાં આવતી હતી. પરંતુ હવે આ કૌભાંડ બહાર આવ્યુ છે ત્યારથી પોરબંદરમાં મુખ્ય સૂત્રધારોના સંચાલનકર્તાઓએ લોકોને ગૃપ ડીલીટ કરવાની સલાહ આપી છે અનેે તેના કારણે બધાને રીમુવ કરીને ગૃપ ડીલીટ કરવામાં આવી રહ્યા છે.

અમરેલી પોલીસના નામે ફરતી લીંક પણ ખૂલતી નથી
આ પ્રકારના ગૃપમાં અમરેલી પોલીસના નામે એક લીંક શેર કરવામાં આવી છે જેમાં ગુગલ ફોર્મમાં વિગતો ભરવા જણાવાયુ છે પરંતુ પોલીસ સૂત્રો સુધી એ લીંક પહોંચી ગઇ છે અને તે લીંક પણ
ખૂલતી નથી તેથી તેના નામે ફરીથી કોઇ ચીટીંગ તો નથી થઇ રહ્યુ ને તે અંગે પણ તપાસ કરવી જરૂરી બની જાય છે.
‘કંપનીને ખોટા બદનામ કરે છે…. તમારો એક રૂપિયો નહી જાય’ તેવુ કહેનારાએ હાથ ઉચા કર્યા!
પોરબંદરમાં એસ.ડી. પેના નામે લોકોને બોટલમાં ઉતારનારા તત્વોએ છેક છેલ્લે સુધી એવા દાવા કર્યા હતા કે કંપનીને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે એટલે પોઝીટીવ વાતો ગૃપમાં શેર કરો અને ‘તમારો એક રૂપિયો પણ નહી જાય, અમે બેઠા છીએ’ તેવુ કહેનારા લોકોએ હવે ગૃપમાંજ મેસેજ કરીને ‘કંપની ઉપર કેસ થયા છે.કોર્ટ મેટર બની ગઇ છે. કોર્ટનો કયારે નિર્ણય આવે તેનું કંઇ નકકી નથી જેમને ફરીયાદ કરવી હોય તે કરી શકે છે’ તેમ કહીને હાથ ઉંચા કરીને જવાબદારી ખંખેરી લીધી છે. !

અવારનવાર શેર થતી હતી ‘ધ સકસેસ સ્ટોરી’ !
એસ.ડી. પે.ના ગૃપમાં ચાલાકીપૂર્વક લોકોને ફસાવવામાં આવ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે લોકોને ભરોસો બેસે તે માટે અવારનવાર સકસેસ સ્ટોરીઓ પણ શેર કરવામાં આવતી હતી અને તેના માધ્યમથી જે લોકો કમાતા હોય તેમના વીડિયો દ્વારા યશોગાથા વર્ણવવામાં આવતી હતી અને એવા વીડિયો જોઇને ઘણા લોકો ‘અમે પણ કમાશુ અને એક દિવસ બંગલો લેશુ, વિદેશની ટુર કરશું’ તેવા દીવા સ્વપ્ન જોઇને રોકાણ કરતા હતા !

પોરબંદરના શિક્ષણ જગતમાંથી મોટુ રોકાણ થયુ?!
પોરબંદરમાં જાણીતા વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે શિક્ષણ જગતમાંથી ખૂબ મોટુ રોકાણ થયુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. શિક્ષણ સંસ્થાઓની મીટીંગ અને તાલીમમાં પણ અવારનવાર શિક્ષક- શિક્ષિકાઓને એસ.ડી. પે.માં રોકાણ કરવા માટે વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવતા હતા અને અસંખ્ય ગુરુજનોએ ખૂબ મોટુ રોકાણ એસ.ડી. પે. અને અપના પેમાં કર્યુ હતુ. દરરોજનું ભારે વળતર અને કેસબેક આપવાની લાલચમાં શિક્ષક શિક્ષિકાઓએ અન્ય લોકોને જોડીને ‘પોતે પણ ડૂબ્યા બીજાને પણ ડૂબાડયા’ની ઉક્તિ સાર્થક કરી છે ત્યારે આ મુદ્ે લોકો ફરિયાદ નોંધાવવા આગળ આવે તે ઇચ્છનીય છે.

રિલેટેડ ન્યૂઝ