પાયોનીયર કલબ, સાગર પુત્ર સમન્વય અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુકત ઉપક્રમે યોજાયુ સેવાકાર્ય
પોરબંદરમાં ગણેશ વિસર્જન પર્વે પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઠંડા પાણીની બોટલોનું વિતરણ કરાયું હતુ.
પોરબંદર શહેરમાં ગણેશ વિસર્જનના પાવન અવસરે ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે સામાજિક સંસ્થાઓ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડવામાં આવ્યું હતું. પાયોનિયર ક્લબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (જિલ્લા શાખા પોરબંદર) ના સંયુક્ત ઉપક્રમે ગણેશ વિસર્જન નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો માટે ઠંડા પીવાના પાણીની બોટલનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ગણેશ વિસર્જન દરમિયાન અસહ્ય ગરમી અને બફારા વચ્ચે લાંબા અંતર સુધી પગપાળા ચાલતા ભાવિકો, વિસર્જન યાત્રામાં સામેલ યુવાનો અને વડીલો માટે આ ઠંડા પાણીની સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. સેવાભાવી કાર્યકરોએ વિસર્જન રૂટ પર ખડેપગે રહીને વ્યવસ્થિત રીતે હજારો બોટલોનું વિતરણ કરી ભક્તોની તરસ છીપાવી હતી. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જેમાં હરજીવનભાઈ કોટીયા, શાંતિલાલ ખુદાઈ, પ્રવિણભાઈ વાંદરીયા, હરીશ દેવા જુંગી, વસંતભાઈ, ભીખુ નાથા મોતીવરસ, ગોવિંદ નાથા પરમાર, રામજી બોદા કોટીયા તેમજ હરીશ કાનજી કોટિયા સહિતના કાર્યકરોએ ખંતપૂર્વક જહેમત ઉઠાવી સેવા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લામાં સામાજિક અને માનવતાવાદી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે. રક્તદાન શિબિરો, કુદરતી આપત્તિ સમયે રાહત કામગીરી, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાય, આરોગ્ય તપાસણી કેમ્પો તેમજ પર્યાવરણ અને શિક્ષણલક્ષી પ્રોજેક્ટોનું આ સંસ્થાઓ દ્વારા અવારનવાર સફળ આયોજન કરવામાં આવે છે. ધાર્મિક તહેવારો દરમિયાન જાહેર જનતાની સુખાકારી માટે લેવાયેલા આ સેવાકીય પગલાને પોરબંદરના નગરજનો અને વિવિધ સામાજિક આગેવાનોએ બિરદાવી સંસ્થાઓની કામગીરીની સરાહના કરી હતી. આ પ્રોજેક્ટ પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય ના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી કરવામાં આવેલ હતો.
