પોરબંદર લાયન્સ કલબ દ્વારા લાયન્સ સોસાયટીના આર્થિક સહયોગથી બંદીવાન ભાઇઓ માટે જેલમાં અપાઇ સુવિધા: 160 જેટલા કેદીઓને મળશે લાભ
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લાયન્સ સોસાયટી, પોરબંદરના આર્થિક સહયોગથી પોરબંદરની ખાસ જેલ ખાતે બંદીવાન ભાઈ-બહેનોના મનોરંજન તથા માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બે કલર ટીવી સેટ અર્પણ કરવાનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ખાસ જેલના સુપ્રિટેન્ડેન્ટ પી એચ જાડેજા ના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ પોરબંદરને જ્યારે પણ કોઈ સેવા કે સહયોગ માટે જણાવવામાં આવે છે ત્યારે ક્લબ હંમેશાં સહકાર આપવા માટે તત્પર રહે છે. આ સેવાભાવી ભાવના બદલ તેમણે લાયન્સ ક્લબ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્ર્વિન ઠાકરએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ સ્વભાવથી ખરાબ હોતી નથી. કેટલીક પરિસ્થિતિઓ અને સંજોગોમાં વ્યક્તિથી ન કરવાનું કાર્ય થઈ જાય છે અને કાયદા અનુસાર તેને સજા ભોગવવી પડે છે. પરંતુ કારાવાસ દરમિયાન બંદીવાનો પોતાનું વર્તન અને વ્યવહાર સારો રાખે, જેલમાંથી વહેલી તકે મુક્ત થાય અને પોતાના પરિવારજનો સાથે બાકીનું જીવન સજ્જન અને જવાબદાર નાગરિક તરીકે આનંદપૂર્વક વિતાવે, તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.
કારાવાસ દરમિયાન બંદીવાન ભાઈ-બહેનોને મનોરંજનની સાથે માનસિક રીતે પ્રસન્ન અને સ્વસ્થ રહેવા માટે આરામદાયક સમય પસાર કરી શકે તે હેતુથી બે કલર ટીવી સેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે લાયન્સ ક્લબ પોરબંદર પરિવારના ઉપસ્થિત સભ્યો દ્વારા જેલનું ઔપચારિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન જેલ પ્રશાસન દ્વારા સ્વચ્છતા, રસોડાની વ્યવસ્થા તેમજ બંદીવાન ભાઈ-બહેનોના આરોગ્ય અને સુખાકારીની કાળજી લેવામાં આવતી હોવાનું જોવા મળ્યું હતું.
કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ લાયન અશ્ર્વિન ઠાકર, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, લાયન ડો. સુરેશ ગાંધી, લાયન અજય દત્તાણી, લાયન કરસન સલેટ, લાયન નીલેષ ખોખરી, લાયન અરજણ ખિસ્તરીયા, લાયન સંજય માળી, લાયન પંકજ મોનાણી, રજનીભાઈ મોઢા, ખાસ જેલના સુપ્રિટેન્ડેન્ટ પી એચ જાડેજા, જેલર સુરુભા જેઠવા,જેલ પ્રશાસનના કર્મચારીઓ તેમજ 160થી વધુ બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુચારુ રૂપે લાયન સંજય માળી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જેલર સુરૂભા જેઠવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ કલબ સોસાયટીના ટ્રસ્ટીઓ લાયન પંકજ મજીઠીયા તથા લાયન મેહુલ દત્તાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.લાયન્સ ક્લબ પોરબંદરની આ સેવાકીય પહેલ દ્વારા સેવા અને માનવતાના સંદેશને વધુ એક વખત સાકાર કરવામાં આવ્યો હતો.
