મિયાણી બંદરમાં ડ્રેજિંગની કામગીરી શરૂ થતા માછીમારોને રાહત

મીયાણી બંદરના માછીમારોની પડતર માંગણીનો અંત: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ભલામણથી મેઢાક્રીક ખાડીમાં ડ્રેજિંગ કાર્ય શરૂ: માછીમારોએ મંત્રી અને સરકારનો માન્યો આભાર

પોરબંદર જિલ્લાના દરિયા કિનારે વસેલા અને મત્સ્ય ઉદ્યોગ પર નભતા મીયાણી ગામના હજારો માછીમારો માટે આજે રાહતના સમાચાર છે. મીયાણી બંદરની જીવાદોરી સમાન મેઢાક્રીક ખાડીમાં રેતી ભરાઈ જવાથી બારું બંધ થવાની કગાર પર હતું, તે સમસ્યાનો આખરે અંત આવ્યો છે. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કરવામાં આવેલી રજૂઆતને પગલે તેમની સરકારમાં કરેલી સક્રિય અને અસરકારક ભલામણથી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ખાડીમાં ડ્રેજિંગ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
રોજીરોટી પર હતું જોખમ
મીયાણી ગામે આવેલ મેઢાક્રીક ખાડી એ અરબી સમુદ્રમાં જવા માટેનો મુખ્ય અને એકમાત્ર માર્ગ (બારું) છે. દરિયાના પ્રવાહ સાથે સતત રેતી ભરાઈ જતી હોવાથી છેલ્લા કેટલાક મહિનાઓથી આ માર્ગ સંપૂર્ણપણે બંધ થવાની અણી પર હતો. સ્થાનિક માછીમારોની બોટોને અરબી સમુદ્રમાં જવામાં અને પરત આવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ઓટના સમયે તો બોટો કાદવમાં ફસાઈ જતી હતી.
આ પરિસ્થિતિને કારણે 500 થી વધુ માછીમાર પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઉભો થયો હતો. માછીમારી સિઝન શરૂ થવા છતાં બોટો બહાર ન જઈ શકતા માછીમારોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી હતી, કેટલાક પરિવારોએ તો સ્થળાંતર કરવાની નોબત આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
મંત્રી સુધી રજૂઆત
અને સત્વરે ભલામણ
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા પંચાયતના ઉત્પાદન, સહકાર અને સિંચાઈ, પશુપાલન સમિતિના અધ્યક્ષ જેઠાભાઈ ગીગાભાઈ ઓડેદરા અને જિલ્લા પંચાયતના સક્રિય સદસ્ય આવડાભાઈ વિરમભાઈ ઓડેદરા દ્વારા મીયાણીના માછીમારો વતી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને ગાંધીનગર ખાતે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
જેઠાભાઈ ઓડેદરા દ્વારા તા. 02/10/2025 ના રોજ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, પોરબંદરને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અત્યંત ગંભીરતાથી લીધી હતી અને માછીમારોનો આ પ્રશ્ન નીતિવિષયક અને તેમના આર્થિક હિત સાથે જોડાયેલો હોવાથી સરકારમાં તાત્કાલિક ધોરણે મંજૂરી મળે તે માટે સક્રિય ભલામણ કરી હતી.
મંત્રીની ભલામણને પગલે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, પોરબંદરની કચેરી દ્વારા મત્સ્યોદ્યોગ કમિશનર, (ઈજાર અને દરિયાઈ શાખાના ધ્યાને) ગાંધીનગરને પત્ર પાઠવીને મીયાણી મેઢાક્રીક ખાડી (બંદર વિસ્તાર) માં ડ્રેજિંગ કામગીરી કરવા બાબતની રજૂઆત આગળની યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવા બાબતે અત્યંત આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, જો અહીં તાત્કાલિક ડ્રેજિંગ (રેતી નિકાલ) ની કામગીરી કરવામાં ન આવે તો માછીમારોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે તેમ છે. આ બાબત સંપૂર્ણપણે નીતિવિષયક હોઈ અને માછીમારોના વિશાળ આર્થિક હિત તેમજ રોજગારી સાથે જોડાયેલી હોવાથી મીયાણી ગામે મેઢાક્રીક ખાડીમાંથી તેમજ તેના મુખમાંથી તાત્કાલિક ધોરણે ડ્રેજિંગ કામગીરી મંજૂર કરવા વિનંતી કરવામાં આવી હતી.
બંદરના સર્વાંગી
વિકાસની થશે કાર્યવાહી
આ રજૂઆતમાં માત્ર ડ્રેજિંગ જ નહીં, પરંતુ મીયાણી બંદરના સર્વાંગી વિકાસ માટેના અન્ય મહત્વના પ્રશ્નો પણ રજૂ કરાયા હતા, જેમાં:મેઢાક્રીક ખાડીમાંથી તાત્કાલિક ધોરણે ડ્રેજિંગ (રેતી નિકાલ) કરાવવું.બંદર પર આવેલ હાઈમાસ્ટ ટાવર જે બંધ હાલતમાં છે તે વહેલી તકે ચાલુ કરાવવો.ઘટતી લાઈટીંગ બંદર (જેટી) ઉપર તથા નવી બનેલી ફિશરીઝ માર્કેટના રસ્તા પર સ્ટ્રીટલાઈટ નાખવી.મેઢાક્રીક ખાડીમાં આવેલ જેટીનું ખાસ રીનોવેશન કરાવવું.
બંદર વિસ્તારમાં જાહેર શૌચાલય, ફીશરીઝ માર્કેટે કચરા કુંડીની સુવિધા તથા માછીમારો માટે પીવાના પાણીની વ્યવસ્થા અને છૂટતી (શેડ) સુવિધા કરાવવી.આ તમામ કામો તબક્કાવાર મંજૂર કરીને પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
માછીમારોમાં ખુશીનો માહોલ, મંત્રીનો આભાર વ્યક્ત કરાયો
મંત્રીશ્ની આ ભલામણના પગલે હાલ મીયાણી ખાતે મેઢાક્રીક ખાડીમાં ડ્રેજિંગની કામગીરી શરૂ થઈ ગઈ હોવાથી મીયાણી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. ડ્રેજિંગ શરૂ થતા બોટોની અવરજવર સરળ બનશે અને માછીમારો પોતાની રોજગારી ફરી ધમધમતી કરી શકશે. આ પ્રશ્ર્નને વાચા આપી તાત્કાલિક નિરાકરણ લાવવા બદલ મીયાણી ગામના સરપંચ, ગામના આગેવાનો, માછીમાર સમાજના પ્રમુખઓ અને મોટી સંખ્યામાં માછીમારોએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જેઠાભાઈ ઓડેદરા અને જિલ્લા પંચાયતના સદસ્ય આવડાભાઈ ઓડેદરાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા માછીમારોના હિતમાં નિર્ણયો લેતી આવી છે.

રિલેટેડ ન્યૂઝ