પોરબંદર તાલુકાના ગામડાંઓમાં ઘાસ વિતરણ અંગે થઈ લેખિત રજૂઆત

અડવાણા, બખરલા, નાગકા, મિયાણી અને ભડ ગામે નવા ઘાસ ડેપો શરૂ કરવા ભાજપના આગેવાનોએ કરી માંગ: જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા

પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતા વરસાદ અને અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં પશુપાલકોને ઘાસ મેળવવામાં પડતી ભારે અગવડતાને ધ્યાને લઈને આજે તાલુકા પંચાયતના પ્રમુખઓ અને જિલ્લા પંચાયતના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ચેરમેન જેઠાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કેશુભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ વિરમભાઈ સુંડાવદરા, ભાજપ આગેવાન અરશીભાઈ ખુંટી, રામભાઈ મોકરીયા સહિતના આગેવાનો દ્વારા આજે આ સંયુક્ત રજૂઆત કરવામાં આવી હતી.
તંત્રનો આભાર અને નવા ડેપોની માંગ
રજૂઆતમાં જણાવ્યા મુજબ, વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં બગવદર અને પાલખડા ખાતે નવા ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી તે વિસ્તારના પશુપાલકોના સમય અને પરિવહન ખર્ચની મોટી બચત થઈ છે, જે બદલ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પરંતુ, અપૂરતા વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં હજુ પણ અડવાણા, નાગકા, બખરલા અને મિયાણી તથા વેર વિસ્તારના ભડ ખાતેના ખેડૂતો અને પશુપાલકોને ઘાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. દૂર સુધી ઘાસ લેવા જવું પડતું હોવાથી સમય અને ભાડાનો ખર્ચ વધી રહ્યો છે.
તેથી આગેવાનોએ અબોલ પશુઓના હિતમાં તાત્કાલિક ધોરણે અડવાણા, નાગકા, બખરલા અને મિયાણી તથા વેર વિસ્તારના ભડ ખાતે પણ તાત્કાલિક નવા ઘાસ ડેપો શરૂ કરવા નમ્ર વિનંતી કરી હતી.
ઘાસના જથ્થામાં વધારો અને માસિક વિતરણની માંગ
આ ઉપરાંત, હાલમાં સરકારશ્રીના નિયમ મુજબ અપાતો ઘાસનો જથ્થો અપૂરતો હોવાથી તેમાં વધારો કરવા અને પશુપાલકોને દર દસ દિવસના બદલે એકસાથે એક મહિનાનો ઘાસચારો ફાળવવા ખાસ રજૂઆત કરવામાં આવી છે. જેથી પશુપાલકોને વારંવાર ધક્કા ખાવા ન પડે.
આ અંગેની લેખિત રજૂઆત તા. 23/09/2026 ના રોજ પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, પોરબંદર વિરમભાઈ દુદાભાઈ કારાવદરા (રહે. મુ. સિમર) દ્વારા જિલ્લા કલેકટર, પોરબંદરને કરવામાં આવી છે. તેની નકલ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પ્રમુખ જિલ્લા પંચાયત અને મામલતદાર (ગ્રામ્ય) ને પણ મોકલવામાં આવી છે.
પશુપાલકો અને ખેડૂતોના હિતમાં ગ્રામ્ય કક્ષાએ તાત્કાલિક ઘાસ ડેપો શરૂ કરવા તંત્ર દ્વારા સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ