રાણાબોરડીની હાઇસ્કૂલમાં ધોરણ 11 સામાન્ય પ્રવાહને મળી મંજૂરી

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે બહાર પાડયો ઠરાવ: ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે સ્થાનિક કક્ષાએ મળી સુવિધા

રાણાબોરડીની હાઇસ્કૂલમાં ધોરણ 11 સામાન્ય પ્રવાહને મંજૂરી મળતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ બહાર પાડયો છે. ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે સ્થાનિકકક્ષાએ સુવિધા મળી છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અંતર્ગત પોરબંદર જિલ્લાના રાણા બોરડી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ11 (સામાન્ય પ્રવાહ ગુજરાતી માધ્યમ) શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક અને શિક્ષણક્ષેત્રે માઈલસ્ટોન સમાન માનવામાં આવી રહ્યો છે.
વર્ષોથી વિદ્યાર્થીઓને ધોરણ10 બાદ ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે દૂરના ગામો અને શહેરોમાં જવું પડતું હતું. હવે રાણા બોરડીમાં જ ધોરણ11 ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓનો સમય, ખર્ચ અને પરિવારો પરનો આર્થિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે.
આ સમગ્ર મંજૂરી પાછળ શાળાના આચાર્ય જાગૃતિબેન ઓડેદરાના સતત પ્રયત્નો, દસ્તાવેજી રજૂઆતો, શિક્ષણ વિભાગ સાથેના સંકલન અને વિદ્યાર્થીઓના હિત માટેની નિષ્ઠાપૂર્વકની મહેનતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.આચાર્ય જાગૃતીબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે અમારો એકમાત્ર હેતુ એ હતો કે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પોતાના ગામ નજીક જ મળી રહે. સરકારશ્રીએ અમારી રજૂઆતને માન આપી મંજૂરી આપતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નવી દિશા ખુલ્લી છે.રાણા બોરડી ઉપરાંત અંદાજે 6 થી 7 આસપાસના ગામોના વિદ્યાર્થીઓને આ વર્ગનો સીધો લાભ મળશે. જેમાં રાણા બોરડી વિસ્તાર સાથે જોડાયેલા અનેક ગ્રામ્ય પરિવારોના બાળકો હવે સરળતાથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી શકશે.આ નિર્ણયથી ખાસ કરીને આર્થિક રીતે નબળા અને ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વધુ સુલભ બનશે તથા ઉચ્ચ શિક્ષણ તરફનો માર્ગ સરળ બનશે.
મંજૂરી જાહેર થતાં રાણા બોરડી તથા આસપાસના ગામોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. ગ્રામજનોએ આ ઐતિહાસિક નિર્ણય બદલ ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તથા શાળાના આચાર્ય જાગૃતીબેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.વાલીઓએ જણાવ્યું કે હવે દીકરીઓ સહિત અનેક વિદ્યાર્થીઓને દૂર મોકલવાની ફરજ નહીં પડે અને ગામમાં જ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરવાની ઉત્તમ તક મળશે. ગ્રામજનો, વાલીમંડળ અને શિક્ષણપ્રેમીઓએ રાજ્ય સરકારના આ શિક્ષણલક્ષી નિર્ણયને આવકારી જણાવ્યું કે ગ્રામ્ય ગુજરાતમાં શિક્ષણની સમાન તક ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોમાં આ મંજૂરી એક પ્રેરણાદાયક પગલું છે.રાણા બોરડી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ11 શરૂ થવું માત્ર શાળાની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મળેલી અમૂલ્ય ભેટ સમાન છે.

રિલેટેડ ન્યૂઝ