વરસાદના અભાવે વન્યજીવ થઇ રહ્યા છે હેરાન પરેશાન: દુર્ઘટના સર્જાય તે પહેલા કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા પાઠવાયુ આવેદન
પોરબંદરના રાણાવાવ નજીક વાડી વિસ્તારમાં રહેલા મગરો પાણીના અભાવે પરેશાન થઈ રહ્યા હોવાથી તેનું સ્થળાંતર કરવા માંગ થઈ છે.
રાણાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરીયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,રાણાવાવ નગરપાલિકા હદમાં આવેલા પાવસીમ વાડી વિસ્તારમાં, વાડી તેમજ રેલ્વે ક્વાર્ટરની નજીક બે મોટા તળાવો આવેલા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બંને તળાવો છેલ્લા આશરે પાંચ વર્ષથી પાણીથી ભરપુર રહેતા હતા અને તેમાં નાના-મોટા મગરો વસવાટ કરતા હોવાનું જાણવા મળે છે.હાલમાં વિસ્તારમાં વરસાદના અભાવે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા બંને તળાવો સંપુર્ણપણે ખાલીખમ થઈ ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તળાવોમાં પાણી અને ખોરાકની અછત સર્જાતા મગરો પાણીની શોધમાં તળાવની બહાર આજુબાજુના વિસ્તારમાં તેમજ રહેણાંક વિસ્તાર તરફ જોવા મળતા હોવાની રજુઆત કરવામાં આવી છે.જેના કારણે આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોની માંગ છે કે,વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને તળાવોમાં સર્વે કરવામાં આવે અને તળાવ તેમજ આસપાસના વિસ્તારમાં મગરોની સંખ્યા તથા તેમની હાજરી અંગે તપાસ કરવામાં આવે.જો મગરો તળાવની બહાર નીકળ્યા હોવાનું જણાય તો વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા તેમને સલામત રીતે પકડીને યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકો દ્વારા ખાસ કરીને મગરોને ખંભાળા-ફોદાળા ડેમ વિસ્તારમાં સલામત રીતે ખસેડવાની રજુઆત કરવામાં આવી છે. જોકે, મગરોને ક્યાં અને કેવી રીતે ખસેડવા તે અંગેનો અંતિમ નિર્ણય વન વિભાગ દ્વારા સ્થળ પરની પરિસ્થિતિ, મગરોના સ્વભાવ અને વન્યજીવ સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત, જ્યાં સુધી મગરોના રેસ્ક્યુની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી બંને તળાવોની આસપાસ પુરતી સંખ્યામાં ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તળાવમાં પાણી ન હોવા છતાં મગરો આસપાસના વિસ્તારમાં હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓ અને અન્ય લોકો સાવચેતી રાખે તે જરૂરી હોવાનું જણાવાયું છે.સ્થાનિકો દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ અજાણી વ્યક્તિ કે સ્થાનિક રહેવાસીએ તળાવના કાંઠા નજીક જવુ નહી.ખાસ કરીને બાળકોને તળાવ વિસ્તારમાં એકલા ન જવા દેવા તેમજ રાત્રિના સમયે આ વિસ્તારમાં અવર-જવર કરતી વખતે વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. મગરો જોવા મળે તો તેમને પકડવાનો, પથ્થર મારવાનો કે કોઈપણ રીતે હેરાન કરવાનો પ્રયાસ ન કરી વન વિભાગને જાણ કરવી જોઈએ.વન્યજીવોની સુરક્ષા સાથે માનવજીવનની સલામતી જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા સમયસર જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.
