મલ્કાગીરી જિલ્લામાં આવેલા શો રૂમમાં નજર ચૂકવી કર્યો હતો. હાથ ફેરો રેલ્વેમાં સુપરવાઈઝર તરીકે અગાઉ નોકરી કરતો હતો ત્યારે કરી હતી રેકી: એસ.ઓ.જી.એ તમામ મુદ્દામાલ કર્યો કબ્જે
પોરબંદરના એક યુવાને તેલંગાણા જઇને શો રૂમમાંથી 10.80 લાખના દાગીનાની ચોરી કરી હતી જેમાં પોરબંદર પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડયો છે.
બનાવની વિગત એવી છે કે તેલંગાણા રાજ્યના માગીરી જિલ્લામાં માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નમીશ્રી જવેલર્સ નામના શોરૂમમાં સપ્ટેમ્બર મહિનામાં 72 ગ્રામ સોના સહિત 10 લાખ 80 હજારના દાગીનાની ગ્રાહકના સ્વાંગમાં ગયેલા યુવાને નજર ચૂકવીને ચોરી કરી હતી અને તે અંગેની પોલીસ ફરિયાદ ત્યાં દાખલ થઇ હતી.
જૂનગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્વારા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા દ્વારા અનડર્ડીટકટ ગુન્હાઓ તથા આરોપી શોધી કાઢવા સૂચનાઓ કરવામાં આવેલ. જે અન્વયે મલ્કાગીરી જિલ્લાના માર્કેટ પોલીસ સ્ટેશન તેલંગાણાના નમીશ્રી જવલેર્સ શો રૂમમાંથી ચોરી અંગે માર્કેટ પોલીસ સ્ટેશન તેલંગાણાના પોલીસ સ્ટાફે અત્રેના જિલ્લાની પોલીસનો સંપર્ક કરી ગુન્હા અને આરોપી અંગે જાણકારી આપેલ હોય જેથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો આ બાબતે કાર્યસ્ત હોય દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. રવિન્દ્ર ચાઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહીતભાઈ ગોરાણીયાને સંયુક્ત રીતે ચોકકસ બાતમી મળેલ કે પોરબંદરના ઝુરીબાગ શેરી નં. 11માં રહેતા દિવ્ય નવનીત જંગી નામના ઇસમે આ ચોરી કરી છે તેથી પોલીસે દિવ્યની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની આગવી પધ્ધતિની પૂછ પરછ થતા જ દિવ્ય જુંગીએ કબુલાત આપી હતી કે તા.16-9ના તે નમીશ્રી જવેલર્સ નામના શોરૂમમાં ગયો હતો અને 48 ગ્રામનો સોનાનો એક નેકલેશ તથા 24 ગ્રામ સોનાનો ચેન સહિત કુલ 10 લાખ 80 હજારનું 72 ગ્રામ સોનુ ચોરી લીધુ હતુ. વેપારીની નજર ચૂકવીને તેણે આ ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે તે ભૂતકાળમાં રેલ્વેમાં ઓછાડ, ચાદર, ઔશીકા આપતા વિભાગમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને એક થી બે વખત તે તેલંગાણા જઇ આવ્યો છે તેથી અગાઉ ત્યાં જઈને તેણે રૂટ સહિત બધી જાણકારી મેળવીને રેકી કરી હતી. અને ત્યારબાદ ચોરીના આ કૃત્યને અંજામ આપ્યો હતો પરંતુ પોલીસે ચોરીનો બધો જ મુદ્દમાલ કબ્જે કરી લીધો છે અને તેનો કબ્જો તેલંગાણાની માર્કેટ પોલીસને સોંપી દીધો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. જાડેજા, એ.એસ.આઇ. મહેબુબખાન બેલીમ, આર.એસ. ચાંઉ, ડી.વી. ડાકી, મોહિતભાઇ ગોરાણીયા, ભીમાભાઇ ઓડેદરા, અરજનભાઈ ઓડેદરા, ભરતસિંહ ગોહીલ, પોલીસ કોન્સ્ટેબલ સરમણભાઈ ખુંટ, ચંદ્રસિંહ જાડેજા રોકાયેલા હતા.
