વોટર વર્કસ વિભાગની ઘોર બેદરકારીના નમૂના સામે આવ્યા: જડેશ્ર્વર મંદિર સામે તૂટેલી પાઇપલાઇનમાંથી અઠવાડીયાથી વહી રહ્યુ છે પાણી: કમલાબાગમાં વાલ્વ ખરાબ હોવાથી હજારો લીટર પાણીની નદી બની ગઇ : પબ્લીસીટી સ્ટંટ ભૂખ્યુ વોટરવર્કસ વિભાગ મોટા પાણી ચોરોના ઘરે જઇ બબ્બે લાઇન મારફતે ચોવીસ કલાક વપરાતા પાણીની ચોરી અટકાવી ‘પાણી બતાવે’ તેવી લોકોએ વ્યકત કરી લાગણી!
એકબાજુ પોરબંદર મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગના અધિકારીઓ જ્યુબેલી વિસ્તારમાં પાણી પકડયાના બણગા ફૂંકી રહ્યા છે પરંતુ બીજી બાજુ એક અઠવાડીયાથી જડેશ્ર્વર મંદિર સામે તૂટેલી પાઇપલાઇનના કારણે પાણી વેડફાઇ રહ્યુ છે. તો કમલાબાગમાં વાલ્વ ખરાબ હોવાના કારણે પાણીની નદી ભરાઇ ગઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી ભરી નીતિને કારણે માઠા વર્ષમાં પાણીની ખરા અર્થમાં તંગી અનુભવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તેથી મનપાનું ફોટોસેશન પ્રેમી અને પબ્લીસીટી સ્ટંટ ભૂખ્યુ વોટરવર્કસ વિભાગ મોટા માથાઓના ઘરે જઇ બબ્બે લાઇન મારફતે ચોવીસ કલાક વપરાતા પાણીની ચોરી અટકાવી ‘પાણી બતાવે’ તેવી લોકોએ લાગણી વ્યકત કરી છે.
જડેશ્ર્વર મંદિર સામે અઠવાડીયાથી પાઇપલાઇનમાં ભંગાણ
પોરબંદર શહેરમાં એક તરફ અપૂરતા વરસાદને કારણે ડેમોમાં પાણીના તળિયા દેખાવા લાગ્યા છે અને જળસંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે.શહેરના જડેશ્ર્વર મંદિર સામે આવેલી લાખાણી સ્કૂલ પાસે છેલ્લા ચારેક દિવસથી પીવાની પાણીની લાઇન લીક હોવાથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે, જેના લીધે સ્થાનિકો અને વેપારીઓ ભારે પરેશાન છે. છેલ્લા અઠવાડિયાથી પીવાના પાણીની પાઇપલાઇન લીક થઈ છે. સ્થાનિક રેકડી ધારકો અને દુકાનદારોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આ જગ્યાએ અવારનવાર પાઇપલાઇનમાંથી લીકેજ થવાની સમસ્યા સર્જાય જ છે. આ અંગે મહાનગરપાલિકામાં વારંવાર ફરિયાદો પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી.પાઇપલાઇન લીક થવાથી આખા વિસ્તારમાં અને માર્ગ પર સતત પાણી ભરાઈ રહે છે અને કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. જેના કારણે અહીં ઉભા રહેતા રેકડી ધારકોના ધંધામાં પણ ભારે મુશ્કેલી પડે છે. હાલમાં વરસાદ ન હોવા છતાં પાલિકાની બેદરકારીના કારણે સર્જાયેલા આ જળબંબાકારથી મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. ગંદકી અને મચ્છરોના કારણે સ્થાનિકોમાં ડેન્ગ્યુ-મેલેરિયા જેવો રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે.પોરબંદરમાં જડેશ્ર્વર મંદિર સામે અઠવાડિયાથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. મનપાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે નગરજનો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ લીકેજનું સમારકામ કરીને પાણીનો વેડફાટ અટકાવવામાં આવે અને આવી બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવામાં આવે. તેવી માંગ થઇ છે.
કમલાબાગમાં પાણીનો વેડફાટ
પોરબંદર શહેરમાં એક તરફ મહાનગરપાલિકાનું વોટરવર્કસ વિભાગ લોકોને પાણી ન વેડફવાની સુફિયાણી સલાહ આપી રહ્યું છે, ત્યારે બીજી તરફ પોતાના જ વિભાગની ઘોર બેદરકારીના કારણે કમલાબાગ ખાતે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર નદીની જેમ વહી ગયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, કમલાબાગ ખાતે આવેલા મહાનગરપાલિકાના પાણીના ટાંકામાંથી વાલ્વ ખરાબ હોવાના કારણે સતત પાણીનો ઢોળ થઈ રહ્યો હતો. જોતજોતામાં આખા કમલાબાગ વિસ્તારમાં પાણીની નદીઓ વહેવા લાગી હતી. આ અંગે જાગૃત મહિલા પૂજાબેન રાણા દ્વારા સ્થાનિક કક્ષાએ વોટરવર્કસ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા એવો બેજવાબદાર જવાબ આપવામાં આવ્યો હતો કે વાલ્વ ખરાબ છે તેથી પાણી ઢોળાઈ રહ્યું છે. આ જવાબ સાંભળીને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.એક તરફ શહેરમાં ડેમ ખાલી થઈ રહ્યા છે, પીવાના પાણી માટે કાપ મૂકવાની વાતો થઈ રહી છે અને બીજી તરફ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા વોટરવર્ક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઊંઘ ઉડી ન હતી. લાંબા સમય સુધી હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી આમ જ વેડફાતું રહ્યું હતું.શહેરના જડેશ્ર્વર મંદિર સામે તો છેલ્લા અઠવાડિયાથી લીકેજ છે જ, હવે કમલાબાગમાં પણ પાણીના વેડફાટની ઘટના સામે આવતા મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.જ્યારે તંત્ર જ પાણી વેડફતું હોય તો લોકોને સલાહ આપવાનો શું અર્થ? તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે. આ મામલે બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
મોટા માથાને ત્યાં પાણી ચોરી કયારે અટકાવશો?
પાણી ચોરી નહી કરવાની સુફીયાણી સલાહ આપતા પોરબંદર મનપાના વોટર વર્કસના અધિકારી અને તેની નબળી ટીમ ખરા અર્થમાં પાણીચોરી અટકાવવી હોય તો પોરબંદરમાં અનેક રાજકીય માથાઓના ઘરે એક નહી બબ્બે પાણીની પાઇપલાઇનો આવેલી છે અને આ પાઇપલાઇનમાંથી અમુકમાં તો ચોવીસ કલાક પાણી વહે છે. જો તમારામાં ત્રેવડ હોય તો એવા મોટા માથાઓને ત્યાં જઇને પાણીચોરી બંધ કરાવો પછી કોલર ઉંચા કરીને મીડિયા સમક્ષ તમારી યશોગાથા વર્ણવજો તેમ જણાવીને પોરબંદરવાસીઓએ ભારે રોષ સાથે જણાવ્યુ છે કે જગજાહેર વાત છે કે પોરબંદરમાં અનેક મોટા માથાઓના બંગલામાં જવાની પણ મનપના આ અધિકારીઓ કે કર્મચારીઓ હિંમત કરતા નથી તો તપાસવાની વાત તો દૂર રહી. માત્ર ત્યાં જઇને એક વખત નોટીસ આપે તો પણ તેને પાણીયારા ગણવા પડશે તેવુ જણાઇ રહ્યુ છે. આમ, પોરબંદરમાં મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગની બેદરકારીના કારણે પાણીઢોળ થઇ રહ્યુ છે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોનો આક્રોશ વધી રહ્યો છે.
બેદરકાર કર્મચારીઓને ફરજનુ ભાન કરાવવા માંગ
પોરબંદર મહાનગરપાલિકામાં મેયર સાગર મોદીએ શાસન સંભાળ્યુ ત્યારથી સારો વહીવટ ચાલી રહ્યો છે પરંતુ મનપાના જુદા-જુદા વિભાગની બેદરકારીઓ વધી રહી છે તેના કારણે અને લબાડ જેવા કર્મચારીઓ અને અધિકારીઓના પાપે લોકોને હેરાન થવુ પડે છે. પોરબંદરમાં ઘાસચારો વહેચનારા સામાન્ય માણસોને હેરાન કરનાર એ.એન.સી.ડી. શાખાના અધિકારી દિલાવર સાટી 20 લોકોને હડકાયુ કૂતરુ કરડયુ છતા તેના માલિકને શોધીને ફરીયાદ કરાવી શકયુ નથી. પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ પણ સમયસર પહોંચીને વ્યવસ્થિત રીતે કામ કરતી નથી તેવી ફરિયાદો ખુદ વેપારીઓએ જ કરી હતી. શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગંદકીની સમસ્યા વધી છે ત્યારે સેનીટેશન વિભાગની બેદરકારી સામે પણ આક્રોશ વધે છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ છે છતા કર્મચારીઓ મોટી માત્રામાં સમારકામ થઇ રહયાના દાવા કરે છે. તો હવે વોટરવર્કસ વિભાગ ના અધિકારી નિલેષ કડછા અને તેની ટીમની બેદરકારી બહાર આવી છે. પી.આર.ઓ. વિભાગના અરવિંદ વાળા અને તેની ટીમ પણ ગોકળગાયની ગતિએ કામ કરીને સમયસર માહિતી પ્રેસ સુધી પહોચાડતુ નથી ત્યારે આ બધા બેદરકાર અને લબાડ જેવા કર્મચારીઓની ફરીયાદો મેયર સાગર મોદી સુધી પહોંચી છે ત્યારે તેઓને ફરજનું ભાન કરાવવા માટે મેયર સાગર મોદી કામ કરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.
