કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે બહાર પડ્યું જાહેરનામું: નિયમનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
પોરબંદરમાં આંદોલન વિરોધ પ્રદર્શન ઉપર છઠ્ઠી ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભુ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી.મિયાત્રા દ્વારા આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.6.10.2026 સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો,ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી,સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત,લગ્નનો વરઘોડો,સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્હો સાબિત થયે અધિનિયમની કલમ-135 ની પેટા કલમ-3 મુજબ રૂ.200 સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂ.2,500 સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂા.5,000 સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે.
