પોરબંદરમાં ખેલ મહાકુંભના આયોજન અંગે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને થઈ ચર્ચા: વ્યવસ્થિત આયોજન ગોઠવવા અપાયું માર્ગદર્શન

પોરબંદરમાં ખેલ મહાકુંભના આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર સંચાલિત ખેલ મહાકુંભ-2026 અંતર્ગત પોરબંદરમાં જિલ્લાકક્ષાની અને તાલુકાકક્ષાની સ્પર્ધાઓના આયોજન અને સંચાલન અંગે પોરબંદર જિલ્લાના કલેક્ટર એસ.ડી.ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેલ મહાકુંભ-2026 અંતર્ગત પોરબંદર, રાણાવાવ, અને કુતિયાણા તાલુકાકક્ષા અને પોરબંદર જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓના આયોજન માટે જરૂરી આયોજનાત્મક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્પર્ધાઓના સ્થળ, તારીખ, સમય તેમજ આયોજન માટે જરૂરી સુવિધાઓ અને સંસાધનો, અને અંડર 9 અને અંદર 11 કેટેગરીમાં ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ-2026 અંતર્ગત પોરબંદર જિલ્લાકક્ષાની સ્પર્ધાઓના આયોજન માટે માર્ગદર્શન અને સંકલન કરવામાં આવી રહ્યું છે. આ અન્વયે વિવિધ શાળા-સંસ્થાઓ, માન્ય રમત મંડળો તથા વ્યાયામ મંડળ સાથે સંકલન કરીને સ્પર્ધાઓના સુચારૂ આયોજન માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જે શાળા, સંસ્થા અથવા રમત મંડળ દ્વારા કોઈ ચોક્કસ રમત-સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર હોય ત્યાં ઉપલબ્ધ મેદાન, હોલ, રમતગમતનાં સાધનો તથા અન્ય જરૂરી સુવિધાઓની વિગતોને ધ્યાનમાં લઈ પોરબંદર જિલ્લાકક્ષા અને જિલ્લાના તમામ તાલુકાકક્ષાની સ્પર્ધાઓમાં વધુમાં વધૂ ખેલાડીઓ ભાગ લે અને ખેલાડીને કોઇપણ પ્રકારની મૂશ્કેલી ન પડે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે પોરબંદર જિલ્લા કલેકટર, જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનીષકુમાર જીલાડીયા, જિલ્લા રમત ગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરા, બી.આર.સી.કો-ઓર્ડીનેટરો, વિવિધ રમત મંડળો, વ્યાયામ મંડળો, વ્યાયામ શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ