પોરબંદરના ગોલ્ડન ગાંધી ત્રીજી વખત એશિયાના નંબર વન રેકોર્ડ હોલ્ડર તરીકે સ્થાન પામ્યા

સાઉથ કોરિયા ખાતે યોજાયો એશિયા લેવલનો સિલેક્શન રાઉન્ડ: વિવિધ દેશના પ્રતિષ્ઠિત સિલેક્ટરો રહ્યા ઉપસ્થિત: લંડન ખાતે ફાઇનલ સ્પર્ધા યોજાશે

પોરબંદરના ગોલ્ડન ગાંધી સમગ્ર એશિયામાં સતત ત્રીજી વખત સૌથી વધુ રેકોર્ડ ધરાવનાર રેકોર્ડ હોલ્ડર તરીકે સ્થાન પામ્યા છે.
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના ભોઈ સમાજના અતિ સામાન્ય પરિવારમાંથી આવતા અને કડિયા કામ જેવી સખત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જયેશ હિંગળાજિયા, જેઓ ગોલ્ડન ગાંધી તરીકે જાણીતા છે, તેમણે ફરી એકવાર પોરબંદર, ગુજરાત અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કર્યું છે.વિશ્વ વિક્રમોના ક્ષેત્રમાં સતત મહેનત અને અનોખા પ્રયાસો માટે જાણીતા જયેશભાઈ હિંગળાજિયાએ તાજેતરમાં દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલા એશિયા સ્તરના પસંદગી રાઉન્ડમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી હોવાનું જણાવાયું છે.તાજેતરમાં દક્ષિણ કોરિયા ખાતે વિશ્વ વિક્રમ ધારકો માટે એશિયા ખંડનો પસંદગી રાઉન્ડ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ચીન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ, સિંગાપુર, થાઈલેન્ડ સહિત એશિયાના વિવિધ દેશોના પસંદગીકારો ઉપસ્થિત રહ્યા હતા.આ પસંદગી રાઉન્ડ દરમિયાન એશિયા ખંડમાંથી સૌથી વધુ વિશ્ર્વ વિક્રમો ધરાવતા અને પસંદગી પામેલા વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પોરબંદરના જયેશ હિંગળાજિયાએ 262 વિશ્ર્વ વિક્રમો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હોવાનું જણાવાયું છે.મળતી વિગતો અનુસાર એશિયાના ટોચના પાંચ વિશ્વ વિક્રમ ધારકોમાં ભારતના પોરબંદરના જયેશ હિંગળાજિયા પ્રથમ ક્રમે, ચીનના વિક્રમધારક 234 વિક્રમો સાથે બીજા ક્રમે, દક્ષિણ કોરિયાના 208 વિક્રમો સાથે ત્રીજા ક્રમે, થાઈલેન્ડના 198 વિક્રમો સાથે ચોથા ક્રમે અને ચીનના અન્ય વિક્રમધારક 187 વિક્રમો સાથે પાંચમા ક્રમે રહ્યા હોવાનું જણાવાયું છે.જયેશભાઈ હિંગળાજિયાની આ સિદ્ધિને ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે તેમણે સતત ત્રીજી વખત એશિયાના પ્રથમ વિશ્વ વિક્રમ ધારક તરીકેનું બહુમાન મેળવ્યું હોવાનું જણાવાયું છે. સામાન્ય પરિવારમાંથી આવી કડિયા કામ જેવી સખત મજૂરી કરતાં કરતાં તેમણે પોતાના અનોખા કૌશલ્ય અને સતત મહેનતના બળે અનેક વિશ્વ વિક્રમો સ્થાપિત કર્યા છે.તેમની આ સફર પોરબંદર સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. મર્યાદિત સાધનો વચ્ચે પણ અડગ મહેનત, આત્મવિશ્વાસ અને કંઈક અલગ કરવાની ધગશ રાખવામાં આવે તો વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે તેનો દાખલો જયેશભાઈની સફર પૂરો પાડે છે.તેમની આ સિદ્ધિને બિરદાવતાં વિયેતનામ ખાતે વિશ્ર્વ વિક્રમ યુનિવર્સિટી, યુકે દ્વારા તેમને માનદ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ ઉપરાંત તેમના કાર્યોની નોંધ બીબીસી અને નેશનલ જિયોગ્રાફિક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા લેવામાં આવી હોવાનું જણાવાયું છે.દક્ષિણ કોરિયા ખાતે યોજાયેલા એશિયા સ્તરના પસંદગી રાઉન્ડ બાદ હવે આગામી જાન્યુઆરી મહિનામાં લંડન ખાતે વિશ્વસ્તરની અંતિમ પસંદગી યોજાવાની છે. જેમાં વિવિધ દેશોના વિશ્વ વિક્રમ ધારકો વચ્ચે અંતિમ પસંદગી પ્રક્રિયા યોજાશે.
પોરબંદરના એક સામાન્ય મજૂર પરિવારથી શરૂ થયેલી જયેશ હિંગળાજિયાની આ સફર આજે વિશ્વ વિક્રમોના ક્ષેત્ર સુધી પહોંચી છે. સખત મહેનત, સંઘર્ષ અને સતત પ્રયત્નો દ્વારા તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમની આ સફર ખાસ કરીને યુવાનો માટે સંઘર્ષ વચ્ચે પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે.

રિલેટેડ ન્યૂઝ