પોરબંદરમાં દિવેચા કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજની શોભાયાત્રા યોજાઈ

વિશાળ સંખ્યામાં સમાજના લોકો રહ્યા ઉપસ્થિત: 127માં વર્ષમાં થયો પ્રવેશ

પોરબંદરમાં દિવેચા કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
દિવેચાકોળી સમાજના પ્રાગટ્ય દેવ શ્રી રામદેવજી મહારાજની પરંપરાગત શોભાયાત્રા આ વર્ષે 127મા વર્ષમાં પ્રવેશી હતી. આ પવિત્ર પ્રસંગે દિવેચાકોળી સમાજની વંડી (દુવાર) ખાતેથી શ્રી રામદેવજી મહારાજની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા અને ભક્તિભાવ તથા હર્ષોલ્લાસ સાથે ઉત્સવની ઉજવણી કરી હતી.શોભાયાત્રા દિવેચાકોળી સમાજની વંડી (દુવાર) ખાતેથી પ્રસ્થાન કરી કોળીવાડ, ફાયરબ્રિગેડ, ઝુંડાળા, મીલપરા, કડિયા પ્લોટ, રામ ગેસ્ટહાઉસ, સત્યનારાયણ મંદિર, એમ.જી. રોડ, ફુવારા, રૂપાળીબાગ, ખોજાખાના, પારસ ડેરી, રામટેકરી, એસ.વી.પી. રોડ, હરીશ ટોકીઝ અને લીમડા ચોક સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ પુન: દિવેચાકોળી સમાજ ખાતે આવેલા શ્રી રામદેવજી મહારાજના દુવારે પહોંચી હતી.શોભાયાત્રાના માર્ગમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સમાજના લોકો દ્વારા ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાઈ શ્રી રામદેવજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સમાજ દ્વારા ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ઉત્સવ હર્ષ અને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.ઉત્સવને સફળ બનાવવા માટે સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો અને નાના બાળકોથી લઈને સમાજના દરેક સભ્યે પોતાની રીતે યોગદાન આપ્યું હતું. સમાજની પડખે હંમેશાં ઉભા રહેતા મિત્રમંડળો અને યુવક મંડળોએ પણ ઉત્સવની વિવિધ વ્યવસ્થાઓમાં સક્રિય સહયોગ આપ્યો હતો.આ ઉપરાંત સમગ્ર ઉત્સવ દરમિયાન લાઈટિંગ અને ડેકોરેશન ટીમ, બે દિવસ સુધી મહાપ્રસાદી તૈયાર કરનાર સુનિલભાઈ તથા તેમની સમગ્ર ટીમ, ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ ટીમનો પણ સમાજ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ડેવિડ ગ્રાફિક્સના કેતનભાઈ બામણીયા તથા સુરજ ડેકોરના નિલેશભાઈના સહયોગને પણ બિરદાવવામાં આવ્યો હતો.સમાજના ઉત્સવમાં એકસૂત્રતા અને સહયોગની ભાવના જાળવી રાખવા બદલ પોરબંદર તેમજ બહારગામના નાના-મોટા તમામ દાતાઓનો પણ સમાજના હોદ્દેદારો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. દાતાશ્રીઓએ રોકડ રકમ તેમજ વિવિધ ચીજવસ્તુઓના સ્વરૂપે યથાશક્તિ સહયોગ આપી ઉત્સવની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમાજના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, સમાજના દરેક દાતાશ્રી અને સહયોગી પ્રત્યે સમાજ હંમેશાં ઋણી રહેશે. સમાજના પ્રમુખ મગનભાઈ એમ. બામણીયા, ઉપપ્રમુખ હિતેષભાઈ કે. વાજા, કમિટી પ્રમુખ હર્ષદભાઈ પી. બામણીયા, ઉપપ્રમુખ સુનિલ એલ. સોલંકી, મહિલા પ્રમુખ લક્ષ્મીબેન એલ. સોલંકી, ઉપપ્રમુખ પ્રતિભાબેન જી. મકવાણા તથા ટ્રસ્ટીઓ અને પંચ પટેલોએ ઉત્સવને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે દિવેચાકોળી સમાજના ટ્રસ્ટીઓ વલ્લભભાઈ બામણીયા, દિલીપભાઈ સોલંકી, હેમેન્દ્રભાઈ વાજા, દિલીપભાઈ સોલંકી (મિસ્ત્રી), મુકેશભાઈ વારા, દિલીપભાઈ બામણીયા, સંજયભાઈ સોલંકી, ઈશ્વરભાઈ સોલંકી તથા દિપેશભાઈ બામણીયા સહિતના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પણ સમાજના તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અંતમાં સમાજના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, સમગ્ર ઉત્સવ દરમિયાન મન, વચન, કર્મ કે શબ્દોથી કોઈ નાની-મોટી ભૂલચૂક થઈ હોય તો સમાજના તમામ સભ્યો અને શુભેચ્છકો ક્ષમા કરશો. શ્રી રામદેવજી મહારાજની કૃપાથી સમાજની એકતા, ભાઈચારો અને સેવાભાવ હંમેશાં જળવાઈ રહે તથા આવનારા વર્ષોમાં પણ આવા ધાર્મિક અને સામાજિક ઉત્સવો વધુ ભવ્ય રીતે ઉજવાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ