ફિશિંગ નેટ, પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકની થેલીઓ વધુ માત્રામાં મળી આવી: દરિયા કિનારે પ્રદૂષણ ઘટાડવા માટે થયું આહ્વાન
પોરબંદરની ચોપાટી ઉપર સફાઈ અભિયાન થતાં શાળા કોલેજના 1200 વિદ્યાર્થીઓએ 900 કિલો કચરો એકત્ર કર્યો હતો.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, ચેન્નઈ, વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે તેમજ પોરબંદર કોસ્ટ ગાર્ડના માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી નિમિત્તે પોરબંદરના દરિયાકિનારે વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયાઈ પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા તેમજ દરિયાઈ પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ અભિયાનમાં વિવિધ શાળા-કોલેજના આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા.આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદરના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર તેમજ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સહિતના મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હત. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ દરિયાકિનારાની સફાઈ માટે શ્રમદાન કર્યું હતું.અભિયાન દરમિયાન દરિયાકિનારા પરથી અંદાજે900 કિલો જેટલો પ્લાસ્ટિક કચરોએકત્રિત કરવામાં આવ્યો હતો. તેમાં ફિશિંગ નેટ, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો વિવિધ પ્રકારનો કચરો સામેલ હતો. દરિયામાં અને દરિયાકિનારે ફેંકવામાં આવતો પ્લાસ્ટિક કચરો દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ સમગ્ર પર્યાવરણ માટે નુકસાનકારક બની શકે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાયેલું આ શ્રમદાન સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ મહત્વપૂર્ણ સંદેશ આપી ગયું હતું.અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ દરિયાઈ પર્યાવરણની જાળવણી, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો તથા દરિયાકિનારે કચરો નહીં ફેંકવા અંગે લોકોને જાગૃત કર્યા હતા. ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ના નારા સાથે બીચ પર સ્વચ્છતા જાળવવા અને દરિયાને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ટી-શર્ટ અને કેપ ભેટ આપવામાં આવ્યા હતા. અભિયાન પૂર્ણ થયા બાદ તમામ સહભાગીઓને હેલ્ધી ફૂડ પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને સ્વયંસેવકોએ પણ સક્રિય ભાગ લઈ દરિયાકિનારાની સ્વચ્છતા માટે યોગદાન આપ્યું હતું.આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટેશ્રી એમ.એમ.કે. હાઈસ્કૂલ, રાણા કંડોરણાના વિજ્ઞાન શિક્ષક તેમજ વિજ્ઞાન ગુર્જરીના લાઈફ ટાઈમ મેમ્બર અમિતભાઈ જગતિયાએ જિલ્લા સંયોજક તરીકે ખૂબ જ સક્રિય કામગીરી કરી હતી.વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને જોડવાથી માંડીને અભિયાનના વિવિધ તબક્કાની કામગીરીમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સક્રિય કામગીરીને આયોજકો દ્વારા બિરદાવવામાં આવી હતી.દરિયાઈ પર્યાવરણની જાળવણી માત્ર એક દિવસના સ્વચ્છતા અભિયાન પૂરતી મર્યાદિત ન રહે પરંતુ દરિયાકિનારા પર કચરો ન નાખવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને દરિયાઈ પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવી તે દરેક નાગરિકની સામૂહિક ફરજ છે તેવો સંદેશ આ સમગ્ર અભિયાન દ્વારા આપવામાં આવ્યો હતો.
