પોરબંદરમાં તેલીબીયા પાકોના પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે મળશે સહાય

આઇ ખેડુત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા થઈ અપીલ: 28 સપ્ટેમ્બર સુધી થઈ શકશે અરજી

પોરબંદર જિલ્લામાં તેલીબિયાના પાકોના પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
ભારત સરકારની ‘નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ’ યોજના અંતર્ગત વર્ષ 2026-27 દરમિયાન પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ ઘટક હેઠળ પાત્ર લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત 2.0 પોર્ટલ તા. 28 સપ્ટેમ્બર, 2026 સુધી પાંચ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ યોજના હેઠળ તેલીબિયાં પાકોના પ્રોસેસિંગ માટેની મશીનરી તથા ઓઇલ એક્સટ્રેક્શન યુનિટ સ્થાપવા માટે 10 ટન ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટના ખર્ચના 33 ટકા અથવા મહત્તમ રૂ. 9,90,000ની સહાય, બેમાંથી જે રકમ ઓછી હોય તે મુજબ મળવાપાત્ર રહેશે,આ ઘટક હેઠળ સહાયની ગણતરી માટેના પ્રોજેક્ટ ખર્ચમાં માત્ર તેલીબિયાં પાકોના પ્રોસેસિંગ માટેની મશીનરી અને ઓઇલ એક્સટ્રેક્શન યુનિટનો જ સમાવેશ કરવામાં આવશે. જમીન તથા બાંધકામનો ખર્ચ સહાયપાત્ર ગણવામાં આવશે નહીં.
વધુમાં, આ ઘટકનો લાભ લાભાર્થી કે સંસ્થાને આજીવન માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે.આ યોજનાનો લાભ ખાતેદાર ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો તથા સહકારી સંસ્થાઓ મેળવી શકશે.
પોરબંદર જિલ્લાના ખેડૂત ભાઈઓ-બહેનો અને પાત્ર સંસ્થાઓને યોજનાનો લાભ લેવા માટે નિયત સમયમર્યાદામાં આઈ-ખેડૂત 2.0 પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.યોજના અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે પોતાના ગામના ગ્રામસેવકશ્રી, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા જિલ્લા પંચાયત, પોરબંદર સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ