પાયોનિયર ક્લબ અને સાગર પુત્ર સમન્વય દ્વારા કેશવ સ્કૂલ ખાતે શૈક્ષણિક સેવાકાર્ય થયું સંપન્ન: કેબિનેટ મંત્રી સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
પોરબંદરની સરકારી શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા હતા.
સામાજિક, શૈક્ષણિક અને લોકસેવાના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેતી પોરબંદરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ ‘પાયોનિયર ક્લબ’ અને ‘સાગરપુત્ર સમન્વય’ દ્વારા વિદ્યાર્થી હિત માટે વધુ એક પ્રશંસનીય સેવાયજ્ઞ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ અને જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાના સંપૂર્ણ આર્થિક સહયોગથી પોરબંદર સ્થિત કેશવ સ્કૂલના 200 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ ઉમદા કાર્યક્રમને બિરદાવતાં જણાવ્યું હતું કે, શિક્ષણક્ષેત્રે બાળકોને સાધન-સહાય પૂરી પાડવી એ દેશના ભવિષ્યને ઘડવા સમાન છે. પ્રવીણભાઈ ખોરાવા દ્વારા શિક્ષણ અને સમાજઉત્થાન માટે સતત કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની વિશેષ નોંધ લેતાં તેમણે જણાવ્યું કે, નિ:સ્વાર્થ ભાવે શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું આવું યોગદાન સમાજના અન્ય વર્ગો માટે પણ પ્રેરણારૂપ બને છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી વિનોદભાઈ પરમારે પણ પ્રસંગોચિત ઉદ્બોધન આપી પ્રવીણભાઈની સેવાકીય નિષ્ઠાની સરાહના કરી હતી અને વિદ્યાર્થીઓને લગનપૂર્વક અભ્યાસ કરી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.આ ગરિમાપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી મહાનુભાવોના
જિલ્લા ભાજપ અગ્રણી કપીલ ભાઈ કોટેચા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મંજુબેન સૂંડાવદરા કોર્પોરેટર ક્રિષ્નાબેન કોટીયા,ખ્યાતિબેન લોઢારી માજી વાણોટહરજીવનભાઈ કોટીયા પ્રેમજીભાઈ ખુદાઈ માજી કાઉન્સિલર લીલાબેન મોતીવરસ સી.આર.સી. લાખાભાઈ ખુંટી સોનલબેન અમૃતિયા વરદ હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું: કાર્યક્રમના અંતે કેશવ સ્કૂલ પરિવાર વતી શાળા સંચાલકો અને શિક્ષકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પ્રશાસને જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ ખોરાવા દ્વારા આપવામાં આવેલો આ સહયોગ માત્ર આર્થિક મદદ નથી પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરનારું ભગીરથ પગલું છે. શાળા પરિવારે દાતાશ્રી પ્રવીણભાઈ ખોરાવા તથા કાર્યક્રમની શોભા વધારવા ઉપસ્થિત રહેલા તમામ રાજકીય, સામાજિક અને શિક્ષણ જગતના મહાનુભાવોનો ઋણસ્વીકાર કરી આભાર પ્રગટ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.
