આંગણ મિલન સેવાનો થયો પ્રારંભ:ત્રણ ઓક્ટોબર સુધી યોજાશે વિશેષ અભિયાન
પોરબંદર જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ આંગણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “સુપોષિત બાળક, સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ”ના ઉદ્દેશ્ય સાથે “પોષણ આંગણ ઉત્સવ તેમજ આંગણ મિલન સેવા”નો ઉત્સાહભેર ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. 3 ઓક્ટોબર 2026 દરમિયાન ચાલનારા આ અભિયાન હેઠળ જિલ્લાની તમામ 489 આંગણવાડીઓમાં વિવિધ જાગૃતતા અને પોષણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનના પ્રથમ દિવસે જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય તેમજ પ્રોગ્રામ ઓફિસર (આઈ.સી.ડી.એસ. શાખા) વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આંગણવાડીના નાના ભૂલકાંઓ, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી માતાઓ અને વાલીઓ સાથે સીધો સંવાદ સાધીને સહ-પરામર્શ કરવામાં આવ્યો હતો.તેમણે યોગ્ય પોષણ, દૈનિક આહારમાં પૌષ્ટિક ઘટકોનો ઉમેરો અને સ્વચ્છતાના મહત્વ વિશે ઉપસ્થિત સૌને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
