પોરબંદરમાં યુવતીઓ માટે પ્રોડક્ટ મોડીફાય સ્પર્ધા યોજાઈ

ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે થયું આયોજન: ચાણક્ય કોમર્સ સ્ટડી સર્કલ અને ઇનોવેશન ક્લબના માર્ગદર્શન હેઠળ યોજાયો કાર્યક્રમ

પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં પ્રોડક્ટ મોડીફાઇ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરની ખ્યાતનામ શિક્ષણ સંસ્થા રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યક્ધયા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચાણક્ય કોમર્સ સ્ટડી સર્કલ તેમજ ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ પ્રોડક્ટ મોડિફિકેશન સ્પર્ધાનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રાચાર્ય ડો. અનુપમ નાગર તથા કોમર્સ વિભાગના અધ્યક્ષ તેમજ ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડો. ભરતસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી.વર્તમાન સમયમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થીઓમાં વ્યવહારુ કૌશલ્ય ખીલે તે અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીનીઓમાં રહેલી વ્યવસાયિક સૂઝ, સર્જનાત્મકતા, વિચારશક્તિ અને માર્કેટિંગ કૌશલ્યને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉમદા હેતુથી આ અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાની ખાસિયત એ રહી કે તેમાં કોમર્સ વિભાગના ગુજરાતી માધ્યમની તમામ વિદ્યાર્થીની બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ બજારમાં હાલ ઉપલબ્ધ રોજિંદા જીવનમાં વપરાતી વિવિધ પ્રોડક્ટ્સ પસંદ કરી હતી અને તેમાં પોતાની આગવી સુઝબૂઝ તથા નવીન વિચારસરણી દ્વારા ઉપયોગી સુધારા-વધારા કર્યા હતા. તેમજ પોતાના વિચારોથી નવી પ્રોડક્ટનું સર્જન પણ કર્યું હતું. તેમણે પ્રોડક્ટની મૂળ રચનામાં ફેરફાર કરી તેની ડિઝાઇન, આકર્ષક અને પર્યાવરણ અનુકૂળ પેકિંગ, ગુણવત્તામાં વધારો તેમજ ગ્રાહકો માટે તેની ઉપયોગિતા કેવી રીતે વધારી શકાય તે અંગેના વ્યવહારિક મોડેલ્સ અને વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત પ્રોડક્ટની યોગ્ય કિંમત નિર્ધારણ અને વેચાણ વધારવા માટેની નવીન માર્કેટિંગ વ્યૂહરચનાઓ પણ ખૂબ જ સુંદર રીતે સમજાવી હતી.વિદ્યાર્થીનીઓએ કરેલી આ કલ્પનાશીલ રજૂઆત અને આત્મવિશ્વાસપૂર્વકના પ્રેઝન્ટેશને નિર્ણાયક તરીકે ડો.અરફાત સૈયદસર તેમજ ઉપસ્થિત ગુરૂજનોને હૃદયસ્પર્શી રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક ડો.અરફાત સૈયદ હતા.જેણે સુંદર રીતે નિરીક્ષણ કરીને પરિણામ જાહેર કર્યું જેમાં પ્રથમ ક્રમાંક પર મોઢા શીતલ અશોકભાઈ બી.કોમ.સેમ.5 (પેપ્સોડન્ટ ટુથબ્રશ), દ્વિતીય સ્થાન પર મોઢવાડિયા ગીતા નાગાજણભાઈ બી.કોમ.સેમ.5 (સ્માર્ટ વોટર બોટલ) તેમજ તૃતીય સ્થાન પર ઓડોદરા સેજલ કેશુભાઈ બી.કોમ. સેમ.3 (સ્માર્ટ સ્કૂલ કોલેજ બેગ) રહ્યા હતા. સ્પર્ધાના અંતે નિર્ણાયક ડો.અરફાત સૈયદ દ્વારા આ સફળ અને પ્રેરણાદાયી આયોજન બદલ ચાણક્ય કોમર્સ સ્ટડી સર્કલ અને ઇનોવેશન ક્લબના માર્ગદર્શક અધ્યાપકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીની બહેનોની ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મક ક્ષમતાને મુક્ત મને બિરદાવીને તેમના ભવિષ્યના વ્યાવસાયિક જીવન માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ