રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર માથી ગણનાપાત્ર વિદેશી દારૂ ઝડપી પાડતી જુનાગઢ રેન્જ પોલીસ: રૂ.5.85 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો: દારૂ સપ્લાય કરનાર સામે પણ ગુનો દાખલ
રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાર માથી વિદેશી દારૂની 1295 બોટલ રૂ. 5.85 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દેશી-વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના આપવામાં આવેલ છે.જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. બી. રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જી. ચુડાસમા, પો.સ.ઇ. બી.ડી. માવદિયા તથા પોલીસ સ્ટાફ પોરબંદર જિલ્લાના રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન પો.હેડ કોન્સ. દેવાયતસિંહ રણવીરભાઈ તથા પો.કોન્સ. રામભાઈ નાગાભાઈને સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ અને આધારભૂત બાતમી મળેલ કે, પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતો પ્રોહી ધંધાર્થી દેવાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામનો માણસ પાછતરડી ગામ ખાતેથી પોતાની સિલ્વર કલરની મારુતિ કંપનીની સ્વીફ્ટ ફોરવ્હીલ કાર માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળનાર છે.
મળેલ બાતમી આધારે રાણાવાવ તાલુકાના રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે રોડની ડાબી સાઈડમાં સર્વિસ રોડ પર પીપળીયા ગામના પાટિયા સામે રોડ ઉપર સ્વીફ્ટ કાર જોવામાં આવી હતી. આ કારને રોડની સાઈડ પર રોકી ચેક કરતા તેમાં પૂંઠાની પેટીઓમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી મળી કુલ 1295 બોટલ કબજે કરી છે.
જેથી સદરહુ વિદેશી દારૂના જથ્થાનો કબજો રાખનાર ઇસમ દેવાભાઈ જેઠાભાઈ કોડીયાતર ઉ.વ. 28, ધંધો- ટ્રક ડ્રાઈવિંગ, રહે. પોરબંદર બોખીરા વિસ્તાર રબારી કેડા સરકારી વાવની સામેની ગલીમાં વાળાને પકડી પાડવામાં આવ્યો છે.તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો તથા કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 5,85,240/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આ દારૂ પૂરો પાડનાર ભાણવડ નજીકના પાસ્તરડી ગામના ભરત નગા હુણ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.
બંને ઇસમો વિરુદ્ધમાં રાણાવાવ પો.સ્ટે. ગુનો રજી. કરવામાં આવેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી રાણા, આર જી ચુડાસમા, બી ડી માવદીયા, હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ કિરણસિંહ દેવાયતસિંહ રણવીરભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ કરસનભાઈ ડાયાભાઈ કાનાભાઈ રામભાઈ નાગાભાઈ અરવિંદભાઈ રસિકભાઈ વગેરે જોડાયા હતા.
