ભાજપના શાસનમાં લોકશાહીની હત્યા થઈ રહી હોવાનું જણાવ્યું: સેટિંગબાજ કમિશ્ર્નરો ભાજપનો કેસરિયો ખેંચ પહેરી લે તેવી થઈ અપીલ!
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીનામું આપે તેવી માંગણી સાથે પોરબંદર કોંગ્રેસ દ્વારા રોષ સાથે આંદોલન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના સંયુક્ત આયોજનમાં નરસંગ ટેકરી ચાર રસ્તા ખાતે રસ્તા રોકો આંદોલન યોજવામાં આવ્યું હતું.આ આંદોલનમાં ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. લોકશાહી અને મતાધિકારના રક્ષણ માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જનતાનો અવાજ બુલંદ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આંદોલન દરમિયાન કાર્યકરોએ લોકશાહી બચાવો મતાધિકાર બચાવો!ના નારા લગાવીને પોતાનો વિરોધ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી અને મતાધિકારના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું આવશ્યક છે અને આ દિશામાં ચૂંટણી પંચની ભૂમિકા નિષ્પક્ષ અને વિશ્વસનીય રહેવી જોઈએ. પોરબંદર કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ આંદોલન દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકશાહી મૂલ્યો અને મતદારોના અધિકારોની રક્ષા માટે તેઓ સતત સંઘર્ષ કરતા રહેશે.
