અવાજ અને હવાનું પ્રદૂષણ ફેલાવતા માલવાહક રિક્ષામાં માનવીઓની થઈ રહી છે હેરાફેરી: ટ્રાફિક પોલીસ દ્વારા 22000નો દંડ વસુલવામાં આવ્યો
પોરબંદરમાં અવાજ અને હવાનું પ્રદૂષણ ફેલાવતા છકડો રીક્ષા ના ચાલકો સામે પગલાં લઈને 52 ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 22000નો દંડ વસુલવામાં આવ્યો છે.
પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા અને સાયલેન્સર જમીન તરફ રાખીને ફરતા છકડા રીક્ષાચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન 52 જેટલા છકડા રીક્ષા ચાલકોને ટ્રાફિક ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જોવા મળ્યું હતું કે,મોટાભાગના ચાલકોએ કંપનીના સાયલેન્સર કાઢી નાખીને ડુપ્લિકેટ કર્કશ સાયલેન્સર લગાવેલા હતા અને તે પણ જમીન તરફ રાખવામાં આવ્યા હતા.તમામ ચાલકોને કંપનીના ઓરીજનલ સાયલેન્સર ફીટ કરવા સમજ આપવામાં આવી હતી અને અપૂરતા દસ્તાવેજો ધરાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ.22000 નો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો.સાયલેન્સર જમીન તરફ હોવાથી રીક્ષા ચાલુ થતાં જ રસ્તા પરની ધૂળ સીધી હવામાં ઉડે છે. જેનાથી પાછળ આવતા વાહન ચાલકો, રાહદારીઓ અને દુકાનદારોને ભારે હાલાકી પડે છે.આ ઉડતી ધૂળના કારણે શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા, અસ્થમા અને એલર્જી જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે.આવા ડુપ્લિકેટ સાયલેન્સર 100 ડેસિબલથી વધુ કર્કશ અવાજ કરે છે અને કાળો ધુમાડો સીધો જમીન પર ફેંકતા હોવાથી વાતાવરણમાં વધુ પ્રદૂષણ ફેલાય છે.અચાનક ધૂળની ડમરી ઉડવાથી પાછળ આવતા ટુ-વ્હીલર ચાલકોને કંઈ દેખાતું નથી, જેનાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
