પોરબંદર જિલ્લામાં અંગદાન વિષયક જનજાગૃતિ અભિયાન યોજાયુ

સુદામા ડેરી ખાતે આપવામાં આવી જાણકારી: બ્રેઇન ડેથ બાદ અંગદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને મળે છે નવુ જીવન

પોરબંદર જિલ્લામાં અંગદાન વિષયક જનજાગૃતિ અભિયાન યોજાયુ હતુ.
પોરબંદર ખાતે સુદામા ડેરીના ચેરમેન ડો. આકાશભાઈ રાજશાખા સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના વોલન્ટિયર્સ જીગરભાઈ પંડ્યા અને જયેશભાઈ ભટ્ટ દ્વારા રૂબરૂ મુલાકાત કરી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી તથા અંગદાન જનજાગૃતિ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન અંગદાનના મહત્વ અંગે જણાવાયું હતું કે, મગજના મૃત્યુ (બ્રેઇન ડેથ ) બાદ અંગદાન દ્વારા એક વ્યક્તિના વિવિધ અંગોનું દાન કરીને અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે છે. અંગદાન અંગે લોકોમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી વધુમાં વધુ લોકો અંગદાન માટે સંકલ્પબદ્ધ બને તે માટે જનજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ટ્રસ્ટ દ્વારા લોકોને અંગદાન માટે પ્રતિજ્ઞા (પ્લેજ ફોર ઓર્ગન ડોનેશન) કરવા તેમજ અંગદાન અંગે યોગ્ય અને વિશ્ર્વસનીય માહિતી મેળવવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપભાઈ દેસમુખ વર્ષોથી સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત રહી અંગદાન જનજાગૃતિને ગુજરાતભરમાં એક મહા અભિયાન બનાવવાનો સંકલ્પ લઈને કાર્ય કરી રહ્યા છે. દિલીપ દાદા દેસમુખના અથાક પરિશ્રમ, સતત પ્રવાસ અને જનજાગૃતિના પ્રયાસોના પરિણામે આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના વોલન્ટિયર્સ કાર્યરત છે અને લોકો સુધી અંગદાનનું મહત્વ પહોંચાડી તેમને અંગદાન અંગે જાગૃત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે ડો. આકાશભાઈ રાજશાખાએ અંગદાન જનજાગૃતિ અભિયાનને આશીર્વાદ આપ્યા હતા તેમજ ટ્રસ્ટના આગામી અંગદાનના કાર્યક્રમોમાં જોડાઈ સહયોગ આપવા માટે રસ દાખવ્યો હતો.
અંગદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી વધુમાં વધુ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા અને સમાજમાં જીવનદાનનો સંદેશ પહોંચાડવા સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ