પોરબંદર તથા રાણાવાવના સોરઠીયા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓની ત્રિવિધ ધાર્મિક યાત્રામાં રહી બહોળી ઉપસ્થિતિ
શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ પોરબંદર દ્વારા શ્રી બાઈધામ ધ્વજારોહણ અને પ્રાચી પિતૃ તર્પણ યાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.
શ્રી સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજ, પોરબંદર દ્વારા આયોજિત શ્રી બાઈધામ (તાલાળા) ખાતે ધ્વજારોહણ, પ્રાચી તીર્થ ખાતે પિતૃ તર્પણ (પીપળે પાણી રેડવા) તથા પુનમ ભરવાના પવિત્ર ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમ માટે સમાજના શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે રવાના થયા હતા.
શ્રી બાઈ માતાજીના પવિત્ર ધામે ધ્વજારોહણનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. ભક્તો માતાજીના ચરણોમાં ધ્વજા અર્પણ કરી પરિવારની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. સમગ્ર યાત્રા દરમિયાન જય શ્રી બાઈ માતાજીના જયઘોષથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
પ્રાચી તીર્થ હિંદુ સંસ્કૃતિમાં પિતૃ શ્રદ્ધા અને તર્પણ માટે અતિ પવિત્ર સ્થાન ગણાય છે. અહીં પીપળે પાણી રેડી તથા પિતૃ તર્પણની વિધિ દ્વારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવાની પ્રાચીન પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે. પુનમના પવિત્ર અવસરે મોટી સંખ્યામાં સમાજજનોએ વિધિવત ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો.
આ સમગ્ર યાત્રાને સફળ બનાવવા પોરબંદર સોરઠીયા પ્રજાપતિ સમાજના હોદ્દેદારો, રાણાવાવના આગેવાનો, વડીલો તેમજ બહોળી સંખ્યામાં બહેનો અને દીકરીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકતા, સેવા અને સંસ્કૃતિના ભાવ સાથે યાત્રાને ભવ્ય અને સફળ બનાવી હતી.
સમાજ દ્વારા અંતે પ્રાર્થના કરવામાં આવી કે મા શ્રી બાઈ માતાજી સમસ્ત સમાજના દરેક પરિવારની મનોકામનાઓ પૂર્ણ કરે, સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
