પોરબંદરમાં 22 વર્ષ પહેલા ચોરી કરીને નાશી છૂટેલ સોનાનો કારીગર પશ્ર્ચિમ બંગાળથી ઝડપાયો

વર્ષ 2004માં દાગીના પોલીસ કરવા માટે નોકરીએ રાખ્યો ત્યારે નોકીયાનો 1500 રૂપિયાનો એક ફોન અને 216 ગ્રામ દાગીના લઇને ભાગી ગયેલ શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે હુગલી જઇને પકડયો

પોરબંદરમાં 22 વર્ષ પહેલા ચોરી કરીને નાશી છૂટેલ સોનાનો કારીગર પશ્ર્ચિમ બંગાળથી ઝડપાયો છે.વર્ષ 2004માં દાગીના પોલીસ કરવા માટે નોકરીએ રાખ્યો ત્યારે નોકીયાનો 1500 રૂપિયાનો એક ફોન અને 216 ગ્રામ દાગીના લઇને ભાગી ગયેલ શખ્શને લોકલ ક્રાઇમ બ્રાન્ચે હુગલી જઇને પકડયો છે.
ગઇ તા. 21-9-2004ના રોજ ફરીયાદી અન્સારઅલી મહમદઅલી બંગાલી શેખ ઉ.વ. 51 ધંધો સોના ચાંદીના દાગીના પોલીસ કરવાનો, મેમણવાડા ખાડી કાંઠા રોડ, પોરબંદરવાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે આ કામના આરોપી અફસર મુસ્તાકીન મંડાલને પોતાની પોતાની સોનીબજાર પારેખ ચકલામાં આવેલ સોની કામની દુકાને દાગીના પોલીસ કરવાના કારીગર તરીકે કામ પર રાખેલ હોય અને આરોપી ઘરેથી દુકાને કામ કરવા જવાનું કહી ફરીયાદીની દુકાને એકલો હાજર હતો ત્યારે દુકાનમાંથી સોનાના દાગીના અલગ અલગ વજન 216.910 મી.ગ્રા. કિ. 1,15,000 અને નોકીયાનો ફોન કિ. રૂા. 1500 મળી કુલ રૂા.1,16,500ના મુદામાલની ચોરી કરી જતો રહેલ હોવાની હકીકત જાહેર કરતા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર્ડ કરેલ.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. રાજેન્દ્રસિહ જોષી તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોકત ગુનાના 22 વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ તથા સી.આર. પી.સી.ની કલમ તથા વોરંટના કામે નાસતો ફરતો આરોપી મહમદ અફસરઅલી મુુસ્તાકઅલી મોન્ડલ હાલ પશ્ર્ચિમ બંગાળ રાજ્યના હગલી જિલ્લાના સંચીતારા ગામ ખાતે રહેતો હોવાની હકીકત મળેલ હોય જેથી ઉપરોકત હકીકતના આધારે એ.એસ.આઇ. ગોવિંદભાઇ મકવાણા તથા મુકેશભાઇ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસાને પશ્ર્ચિમ બંગાળ રાજ્યના હુગલી ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા ઉપરોકત આરોપી પશ્ર્ચિમ બંગાળ રાજ્યના હુગલી જિલ્લાના સંચીતારા ગામ પાંડુઆ પશ્ર્ચિમ બંગાળવાળાને હુગલી જિલ્લાની ચીફ મેજી. કોર્ટમાં રજૂ કરી જરૂરી ટ્રાન્સીટ રીમાન્ડ મેળવી અત્રે એલ.સી.બી. ઓફિસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર. કે. કાંબરીયા, એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરૂ, કુલદીપસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ દાસા વગેરે રોકાયેલા હતા.

રિલેટેડ ન્યૂઝ