ઘણા લાંબા સમયથી લાઈટો બંધ હોવાને કારણે કારખાનામાં કામ કરતા શ્રમિકો અને મહિલાઓને અવરજવરમાં થાય છે ભારે પરેશાની: વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરાવવા થઈ માંગ
પોરબંદરની વનાણા જી.આઇ.ડી.સી.માં મુખ્ય રસ્તા ઉપર અંધારા છે જેના કારણે કામદારો અને મહિલાઓ સહિત યુવતીઓને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપતા પોરબંદરના વનાણા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધા પણ ન હોવાથી સ્થાનિક લોકો, ઉદ્યોગકારો અને કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઘણા સમયથી વનાણા જી.આઈ.ડી.સી.ના મુખ્ય રસ્તા ઉપર જ અંધારા છવાયેલા રહે છે. સાંજ પડતા જ આખો વિસ્તાર અંધકારમાં ડૂબી જાય છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો અને કારખાનામાં કામ કરતા મજૂરો અને તેમના પરિવારજનોને અવરજવરમાં ભારે પરેશાની વેઠવી પડે છે. રાત્રીના સમયે નોકરી પરથી પરત ફરતા કામદારોને અંધારામાં જ જીવના જોખમે પસાર થવું પડે છે.પ્રાપ્ત વિગત મુજબ, વનાણા જી.આઈ.ડી.સી.માં અનેક ફિશ પ્રોસેસિંગ યુનિટ, માછલા પકડવાની જાળ બનાવવાના યુનિટ, બેકર્સ પ્રોડક્ટ, દાળિયા-સિંગની પ્રોડક્ટ સહિતના અનેક નાના-મોટા કારખાના આવેલા છે. આ તમામ કારખાનાઓના કામદારો અને માલિકોને રાત્રિના સમયે ભારે હેરાનગતિ વેઠવી પડે છે. અંધારાના કારણે વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવે છે.સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ કારખાનાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ કામ કરે છે. રાત્રિ પાળી પૂરી કરીને ઘરે જતી વખતે તેમને આ અંધારિયા રસ્તા પરથી પસાર થવું પડે છે. અંધારાના કારણે મહિલાઓ અને યુવતીઓ આ રસ્તા પરથી સુરક્ષિત રીતે પસાર પણ થઈ શકતી નથી. અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો સક્રિય થવાનો ડર પણ સતત સતાવી રહ્યો છે.જો કોઈ મહિલા કે યુવતી સાથે કોઈ અણબનાવ કે અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે? તેવા સવાલ સાથે સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે.સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધા તો આજે દરેક ગામમાં પણ હોય છે, ત્યારે કરોડોની આવક આપતા આ ઔદ્યોગિક વિસ્તારમાં જ આ સુવિધા ન હોવી એ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. સ્થાનિક લોકો અને કામદારો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક ધોરણે વનાણા જી.આઈ.ડી.સી.માં સ્ટ્રીટલાઈટની સુવિધા શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
