પહેલી ઓકટોબરે ઓડદર ખાતે સર્વોદય વનનું થશે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવોની હાજરીમાં 77માં વન મહોત્સવની રાજ્યકક્ષાની થશે ઉજવણી: પોરબંદર નજીક ફરવાલાયક નવા નઝરાણાનું નિર્માણ થતા પ્રવાસનક્ષેત્રના વિકાસને મળશે વેગ

પોરબંદરમાં પ્રવાસનક્ષેત્રે વિકાસને વેગ મળે તેવા હેતુ સાથે ઓડદર ખાતે નિર્માણ પામેલ સર્વોદય વનનું પહેલી ઓકટોબરે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
પોરબંદર જિલ્લાના ઓડદર ગામ નજીક વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 7જ્ઞમાં વન મહોત્સવ અંતર્ગત નવનિર્મિત સર્વોદય વન ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ તા: 1 ઓક્ટોબર 2026, ગુરૂવારના રોજ બપોરે 3:30 વાગેઓડદર ગામ નજીક યોજાશે.
આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રીકેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકાર ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણમંત્રી પ્રવીણભાઇ માળી , દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમ માડમ, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરા, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા, રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.
સર્વોદય વનની વિશેષતા
પોરબંદરની ભાગોળે તૈયાર થયેલ આ સર્વોદય વનમાં પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય દ્વાર, સર્વોદય ચોક, ઇન્ફોર્મેશન એરિયા, ગ્રામ સ્ટેશન, માતૃ વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, સી-વ્યુ રોક ગાર્ડન, બરડા વન કુંજ, ઔષધિ વન, વન કવચ, મિશન લાઈફ ગાર્ડન, પ્રાકૃતિક રમત-ગમત વિસ્તાર, કેફેટેરિયા, પીવાનું પાણી, ટોયલેટ બ્લોક, પાર્કિંગ એરિયા અને 2.5 મીટર પહોળી વન કેડી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને નિમંત્રિતોને ઉપસ્થિત રહેવા માટે યાદી પાઠવવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં બપોરે 3:30 કલાકે મહાનુભાવોના આગમન બાદ સર્વોદય વનનું લોકાર્પણ કરવામાં આવશે તે પછી પ્રકૃતિને સમર્પિત સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે. દીપપ્રાગટ્ ય, સ્વાગત પ્રવચન, મહાનુભાવોના સ્વાગત, મહાનુભાવોના ઉદ્બોધન, પર્યાવરણ સંદેશની ફિલ્મનું પ્રસારણ અને પુસ્તિકા વિમોચન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉદ્બોધન સહાય અને પ્રશસ્તિપત્ર એનાયત કાર્યક્રમ, મહાનુભાવોનું અભિવાદન તથા મોમેન્ટો અર્પણ, આભારવિધિ અને વાહન ફલેગો સહિત કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.
હજારોની જનમેદની એકત્ર કરવા તંત્ર-ભાજપ દ્વારા પ્રયાસ
ઓડદર ખાતે પહેલી ઓકટોબરે બપોર બાદ સર્વોદય વનના લોકાર્પણ કાર્યક્રમમાં હજારોની જનમેદની એકત્ર કરવા તંત્ર અને ટીમ ભાજપ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જંગી સભાનું આયોજન કરવામાં આવ્યુ છે તેથી વધુ જનમેદનીના એકત્રીકરણ માટે બસસુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામા આવશે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી અને જિલ્લા મહામંત્રીઓ પ્રવીણભાઇ ખોરાવા, પ્રવીણભાઇ ઓડેદરા અને રાજેશભાઇ કરગટીયા સહિતની ટીમ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી કરીને વધુને વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લે તે માટે પ્રયત્નશીલ છે.

રિલેટેડ ન્યૂઝ