ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે યોજાયું ચેકિંગ ઝુંબેશ: અનેક વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો
પોરબંદરમાં એલ.ઇ.ડી. લાઇટવાળા વાહનચાલકો સામે ડ્રાઇવ યોજવામાં આવી હતી.
પોરબંદર શહેર અને જિલ્લામાં રાત્રિના સમયે વાહનોમાં લગાવવામાં આવતી તીવ્ર અને આંખોને આંજી દેતી એલ.ઈ.ડી. લાઈટોના કારણે વધી રહેલા અકસ્માતોને ધ્યાને લઈને પોરબંદર ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કંપની ફિટેડ લાઈટ ઉપરાંત વધારાની સફેદ અને ફોકસવાળી એલ.ઈ.ડી. લાઈટો લગાવીને ફરતા વાહનો સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી લાઈટો સામેની સાઈડથી આવતા વાહનચાલકોની આંખોને અંજાવી દે છે, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. આ જ બાબતને ગંભીરતાથી લઈને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ હાથ ધરાયેલી ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અનેક કાર, ટ્રક અને બાઈક ચાલકોને અટકાવવામાં આવ્યા હતા. નિયમ ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ દંડ વસૂલવામાં આવ્યો હતો અને તેમની વધારાની એલ.ઈ.ડી. લાઈટો પણ ઉતારાવવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં આવી લાઈટો ન લગાવવા માટે ચાલકોને કડક ચેતવણી પણ આપવામાં આવી હતી.પોરબંદર ટ્રાફિક પી.આઈ. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.લોકોની સુરક્ષા એ જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વાહનચાલકોએ કંપની દ્વારા માન્ય લાઈટો જ વાપરવી અને અન્ય વાહન ચાલકોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ તકે પોરબંદર ટ્રાફિક પોલીસે તમામ વાહન ચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનોમાંથી ગેરકાયદેસર એલ.ઈ.ડી. લાઈટો તાત્કાલિક દૂર કરી દે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપે.
