જિલ્લા ભાજપ દ્વારા થયેલા આયોજનમાં પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
પોરબંદરમાં જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચના સંયુક્ત નિવેદન તેમજવિશેષ સઘન મતદાર યાદી સુધારણા (એસ.આઈ.આર.)સંદર્ભે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ભારતીય જનતા પાર્ટી, પોરબંદર દ્વારા‘અટલ ભવન’ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા તથા પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ વિશેષ સઘન મતદાર યાદી સુધારણા અંગે પક્ષનો અભિપ્રાય રજૂ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વિશેષ સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ સામે વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. જોકે, મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરો દ્વારા કરવામાં આવેલા સંયુક્ત નિવેદનથી સ્પષ્ટ થયું છે કે વિશેષ સઘન મતદાર યાદી સુધારણા સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે અને ચૂંટણી કમિશ્નરો વચ્ચે કોઈ મતભેદ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વિશેષ સઘન મતદાર યાદી સુધારણા દરમિયાનફોર્મ-6ના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફોર્મ-6 સાથે જોડાયેલી ઘોષણા અંગેની વ્યવસ્થાને પણ સર્વોચ્ચ અદાલત દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેથી ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ હોવાના કોંગ્રેસના આક્ષેપો તથ્યવિહોણા સાબિત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડો. ચેતનાબેન તિવારીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા તથ્યોને બદલે ખોટી ધારણા ઊભી કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ ઈ.વી.એમ.ને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા બાદ હવે વિશેષ સઘન મતદાર યાદી સુધારણા અને ચૂંટણી પંચને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાજકીય રીતે ઉભી કરવામાં આવતી આવી ખોટી ધારણાઓનું આયુષ્ય લાંબું હોતું નથી અને તથ્યો સામે આખરે સત્ય સ્પષ્ટ થાય છે.
પત્રકાર પરિષદમાં તેમણે વધુમાં જણાવ્યું હતુ કે,દેશની લોકતાંત્રિક પ્રક્રિયા અંગે આધારવિહોણા સવાલો ઉઠાવવાને બદલે ઉપલબ્ધ તથ્યોને સ્વીકારવા જોઈએ. ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી સાથે જોડાયેલી સંસ્થાઓ અંગે લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. દેશની જનતાને લોકશાહી અને તેની મજબૂત સંસ્થાઓ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમિયાન વિશેષ સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, ચૂંટણી પંચના સંયુક્ત નિવેદન તથા ફોર્મ-6 અંગેની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પક્ષનું વલણ રજૂ કરવામાં આવ્યું હતું.
