લાખો રૂપિયાના વ્યવહારો થયા હોવાનું જણાવી ચેમ્બરના ચીફ એકઝીકયુટીવે વેપારીઓને સાવચેત રહેવા કરી અપીલ: ચેરીટી કમિશ્ર્નર દ્વારા જેને વહીવટ સોંપવામાં આવ્યો તે માત્ર મહોરૂ!: ગુન્હાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિ સહિત વર્ષોથી મનમાની ચલાવવા જાણીતા લોકોના હાથમાં બીરલાહોલ સલામત નહી હોવાનું જણાવતા ચકચાર
પોરબંદર ચેમ્બરનો આર્થિક વહીવટ ‘વારસામાં મળેલી પેઢી’ ની જેમ ચલાવાતા ફરિયાદ થઇ છે જેમાં જણાવાયુ છે કે ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાનો વહીવટ થયો છે જેથી વેપારીઓને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચીફ એકઝીકયુટીવ દિનેશભાઇ માંડવીયાએ ચેમ્બર ઓફ કોમર્સના લેટરપેડ ઉપર ચોંકાવનારી વિગત જાહેર કરીને જણાવ્યુ છે કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની અંદર હાલમાં ગેરકાયદેસર તરીકાથી વહીવટ ચાલી રહ્યો છે.આથી પોરબંદરની જનતાને અપીલ છે કે આ સંસ્થા બની બેઠેલા સંચાલકોથી સાવધાન રહેશો સંસ્થાનો કાયદેસર સામાન્ય સભ્ય પણ નથી અને ગુન્હાહિત રેકોર્ડ ધરાવે છે. તેના હાથમાં સંસ્થાનું વર્તમાન અને ભવિષ્ય સુરક્ષિત નથી.
પ્રાપ્ત વિગતો મુજબ તા. 15-5-2026ના રૂા. 1,90,000 અને રૂા. 65,000 ગેરકાયદેસર તરીકાથી ખોલેલ પોરબંદર કોમર્સીયલ કો-ઓપરેટીવ બેન્કમાં રોકડા જમા કરાવેલ છે. સંસ્થામાં કાયદેસર આટલી મોટી રકમનો રોકડો વ્યવહાર થઇ ન શકે ! તેજ મહિનામાં 3 લાખ રૂપિયા રોકડા ઉપાડી લેવામાં આવેલ. ટુંકમાં સમયમાં જ આ લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવશે. પરંતુ આવા લોકોથી આ સંસ્થાને બચાવી આપણા બધાની ફરજ છે.
અમારી પોરબંદરની જનતાને અપીલ છે. આ સંસ્થા સાથે કોઇપણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખશો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચીફ એકઝીકયુટીવ દિનેશભાઇ માંડવીયાની યાદીમાં જણાવેલ છે.
દિનેશભાઇ માંડવીયાએ કરેલી ફરીયાદમા એવા આક્ષેપ કર્યા હતા કે પોતાની મનમાની ચલાવવા માટે જાણીતા અને નલીનકાનાણીને માત્ર મહોરૂ બનાવીને વહીવટ સંભાળી લેનારા લોકોએ ચેમ્બરની મિલ્કત ભાડે અપાય છે તેમાં પણ મોટી રકમ ભાડા પેટે વસુલી છે તે અંગે પણ તપાસ થવી જોઇએ. તેમને આવો હક કોણે આપ્યો? ચેરીટી કમિશ્ર્નરની કચેરી પણ કેમ ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે? કોના રાજકીય દબાણથી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજવાનું ટાળવામાં આવી રહ્યુ છે. તેવા સવાલ સાથે એવી પણ ચેતવણી આપી છે કે વહીવટદાર તરીકે નલીન કાનાણીને જવાબદારી સોંપવામાં આવી છે તેથી કુશાસન ચલાવનારાઓ જે કંઇપણ કરશે તેનો ભોગ નલીન કાનાણી બનશે તેથી નલીને પણ હવે ચેતવુ જોઇએ અને વહેલીતકે ચૂંટણી જાહેર કરી દેવી જોઇએ તેમ ચેમ્બર ઓફ કોમર્સના ચીફ એકઝીકયુટીવ દિનેશભાઇ માંડવીયાએ જણાવ્યુ હતુ.
