વનાણાનું ટોલનાકુ બંધ પણ નહી થાય, દૂર પણ નહી ખસેડાય !

સ્થાનિક વાહનોને કોઇપણ પ્રકારની રાહત પણ નહી મળે: નેશનલ હાઇવે ઓથોરીટીએ હાથ ઉંચા કરી દેતા લોકોમાં ભારે રોષ: આંદોલનની પણ આપવામાં આવી ચેતવણી

પોરબંદરના વનાણાનું ટોલનાકુ મહાનગરપાલિકાની હદમાં આવતુ હોવાથી તેને દૂર કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત અને ફરિયાદ થયા હતા પરંતુ નેશનલ હાઇવે ઓથોરીટીએ સ્પષ્ટતા કરી દીધી છે કે વનાણાનું ટોલનાકુ બંધ પણ નહી થાય, દૂર પણ નહી ખસેડાય.
વનાણાનું ટોલ નાકું પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવી જતુ હોવાથી તેને હટાવવા તેમજ પોરબંદર પાસિંગ (જી. જે. -25) ધરાવતા વાહનોને 100% ટોલ મુક્તિ આપવા બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) મેરૂભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવેલ આવેદન
પત્રનો કલેક્ટર કચેરી અને એન.એચ.એ.આઇ. (રાજકોટ) દ્વારા અત્યંત નકારાત્મક અને અન્યાયી જવાબ આપવામાં આવ્યો છે. કાયદા અને ટેકનિકલ કારણો આગળ ધરીને પ્રશાસને ચોખ્ખી ના પાડી દીધી છે કે ટોલ બંધ પણ નહીં થાય, ખસેડાશે પણ નહીં અને જી.જે.-25 વાહનોને ફ્રી પણ નહીં કરાય!
સરકારી જવાબ સામે સોંસરવા પ્રહારો કરતા મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, સરકારે પોરબંદરને મહાનગરપાલિકા બનાવીને વાહવાહ લૂંટી લીધી, પણ એ જ મહાનગરપાલિકાની હદમાં ગેરકાયદેસર રીતે ચાલતા ટોલ નાકાને હટાવવાની વાત આવી ત્યારે કાયદાના થોથા બતાવીને હાથ ઊંચા કરી લીધા!
નિયમો પ્રજા માટે કે કંપનીની કમાણી માટે? એન.એચ.એ.આઇ.એ જવાબ આપ્યો છે કે 2008માં ટોલ પ્લાઝા કાયદેસર બન્યો હતો, પછીથી પોરબંદર મહાનગરપાલિકા બન્યું એટલે ટોલ ગેરકાયદેસર ન ગણાય! મેરૂભાઈએ કટાક્ષ કરતા કહ્યું કે, જો સીમાઓ બદલાય અને પ્રજા સિટીમાં આવી જાય, તો પણ કાયદો ટોલ કંપનીના ખિસ્સા ભરવાનો જ પક્ષ લેશે?
સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે સ્થાનિક વાહનો (જી.જે. -25) કે ખેડૂતોને પૂરેપૂરી મુક્તિ આપી શકાય નહીં, માત્ર 20 કિમીના દાયરામાં રહેતા બિન-કોમર્શિયલ વાહનોને ’સસ્તો પાસ’ અપાશે! પોતાના જ જિલ્લા મથકે હોસ્પિટલ કે કોર્ટ-કચેરી જતી પ્રજા પાસે કાયદાકીય રીતે પૈસા પડાવવાનું આ ઉત્તમ ઉદાહરણ છે.
તંત્ર તરફથી પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ વિરોધ કે આંદોલન કરાશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે! આ જવાબથી સાબિત થાય છે કે પ્રશાસન પ્રજાના હિતમાં નહીં પણ ટોલ કંપનીના કમિશન માટે કામ કરી રહ્યું છે. મેરૂભાઈ ઓડેદરાએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે, સરકારના આવા કાગળિયા જવાબોથી પોરબંદર, રાણાવાવ કે કુતિયાણાની જનતા ડરી જવાની નથી. કાયદાકીય કલમો બતાવીને ધોળા દિવસે થતી આ આર્થિક લૂંટને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે. જો કાગળ પર ન્યાય નહીં મળે તો હવે રસ્તા પર ન્યાય મેળવાશે!
તેમણે જાહેરાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં પોરબંદર અને રાણાવાવ પંથકના તમામ ખેડૂતો, વાહનચાલકો અને સ્થાનિક જનતાને સાથે રાખીને વનાણા ટોલ નાકા પર જઈને વિરોધ પ્રદર્શન સાથે તાળાબંધી કરવામાં આવશે, જેની તમામ જવાબદારી આ બહેરા તંત્રની રહેશે. તેમ આમ આદમી પાર્ટીના કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂભાઇ ઓડેદરા દ્વારા જણાવાયુ છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ટોલટેકસ વસુલી શકાય !
હાઇવે ઓથોરીટી દ્વારા પત્ર મોકલીને જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2025માં રાજ્ય સરકારે પોરબંદરને મહાનગરપાલિકા બનાવ્યુ અને હદ વિસ્તારીને પોરબંદર મહાનગરપાલિકાની અંદર સમાવી લેવામાં આવ્યુ છે પણ કાયદા મુજબ આ કારણે પહેલેથી જ કાયદેસર રીતે સ્થાપિત ટોલપ્લાઝા ગેરકાયદેસર બનતો નથી. નિયમ-8(1) મુજબ તેને દૂર કરવાની કે બંધ કરવાની કોઇ જોગવાઇ નથી. નેશનલ હાઇવે એકટ 1956ની કલમ 7 હેઠળ કેન્દ્ર સરકાર ટેકસ વસુલે છે જે સંપૂર્ણપણે કાયદેસર છે.

રિલેટેડ ન્યૂઝ