મહેર લોકસંસ્કૃતિના સંવર્ધક અને શ્રી છાયા રાસમંડળના સ્થાપકે પોરબંદરને અપાવી અનેરી ઓળખ: ઇન્દિરા ગાંધીથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના મહાનુભાવોએ ‘ભાઇ..ભાઇ’ કહીને શૌર્યરાસને બિરદાવ્યા: દેશ અને દુનિયામાં મહેર સંસ્કૃતિનો કર્યો પ્રચાર પ્રસાર
મણીયારા રાસના ભીષ્મ પિતામહ રાણાભાઇ સીડાની છ દાયકાની ગૌરવવંતી સાંસ્કૃતિક સફર પૂર્ણ થઇ છે ત્યારે મહેર લોકસંસ્કૃતિના સંવર્ધક અને શ્રી છાયા રાસમંડળના સ્થાપકે પોરબંદરને અનેરી ઓળખ અપાવી છે.
ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ અને વિશેષરૂપે મહેર સમાજના શૌર્ય, ખુમારી અને ઓઝસથી છલકાતા ’મણિયારો રાસ’ને દેશ-વિદેશના આંતરરાષ્ટ્રીય મંચો પર ગુંજતા કરનાર મહેર લોકસંસ્કૃતિના અગ્રણી સંવર્ધક તથા છાયા રાસમંડળના સ્થાપક અને પ્રમુખ રાણાભાઈ આલાભાઈ સીડા પોતાના જીવનના 76માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. દરિયાકાંઠાના પોરબંદરની માટીની મહેક અને અસલ લોકકળાને વૈશ્ર્વિક ઓળખ અપાવવામાં રાણાભાઈનું પ્રદાન અદ્વિતીય અને પ્રેરણાદાયી રહ્યું છે.
આ અદ્ભુત સાંસ્કૃતિક પ્રવાસની શરૂઆત આજથી આશરે 59 વર્ષ પૂર્વે પોરબંદરના રાજમહેલ ખાતે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની ઉપસ્થિતિમાં અપાયેલી ઐતિહાસિક પ્રસ્તુતિથી થઈ હતી. ત્યારથી શરૂ થયેલો આ સેવાયજ્ઞ અવિરતપણે આગળ વધી રહ્યો છે. મણિયારા રાસ પ્રત્યેની તેમની અનન્ય નિષ્ઠા અને સમર્પણ ભાવનાને કારણે જ આજે તેમને મણિયારા રાસના ‘ભીષ્મપિતામહ’ તરીકે સન્માનપૂર્વક ઓળખવામાં આવે છે.દેશ અને દુનિયામાં મહેર સંસ્કૃતિનો ડંકો વગાડીને રાણાભાઈ સીડાના માર્ગદર્શન હેઠળ મહેર રાસ મંડળે અનેક ઐતિહાસિક સીમાચિહ્નો સર કર્યા છે
વૈશ્ર્વિક મંચો ઉપર કર્યુ પ્રદર્શન
વર્ષ 1982માં દિલ્હી એશિયાડ રમતોત્સવના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મણિયારો રાસની અદભુત પ્રસ્તુતિ કરી હતી. આ ઉપરાંત 1985માં ફ્રાન્સ, સોવિયેત રશિયા અને 1987માં પુન: રશિયા ખાતે યોજાયેલા ’ભારત મહોત્સવ’માં ભાગ લઈને ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય મંચ
વર્ષ 1995માં જાપાન, 2006માં લંડનના અતિ પ્રતિષ્ઠિત રોયલ આલ્બર્ટ હોલ’, 2007માં દુબઈ અને 2009માં આર્જેન્ટિના ખાતે યોજાયેલા ‘ભારત મહોત્સવ’માં 12 સભ્યોના દળ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રાષ્ટ્રીય ઉત્સવો
1997માં મદ્રાસ ખાતે ‘દક્ષિણ એશિયન ફેડરેશન ગેમ્સ’, 2004માં હૈદરાબાદ ’આફ્રો-એશિયન ગેમ્સ’, 2010ની દિલ્હી ’કોમનવેલ્થ ગેમ્સ’ તેમજ દિલ્હીમાં યોજાતી રાષ્ટ્રીય પરેડમાં 5 વખત ભાગ લીધો હતો. ખાસ કરીને 1981માં નેશનલ પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી સાથે મુલાકાતનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો.
રાષ્ટ્રના શીર્ષસ્થ મહાનુભાવો દ્વારા વિશેષ બહુમાન
રાણાભાઈની કલા સાધનાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. તેમને ભારતના મૂર્ધન્ય રાષ્ટ્રપતિઓ જેમ કે જ્ઞાની ઝૈલ સિંહ (દિલ્હી ખાતે સન્માન), ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, અને પ્રતિભા પાટીલ સાથે મુલાકાત તથા સન્માન પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમને ’ગૌરવ પુરસ્કાર’થી અલંકૃત કરવામાં આવ્યા છે, તથા ‘સંસ્કાર ભારતી’ દ્વારા ’કલા ગુરૂ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો છે.
30 વર્ષથી નિ:સ્વાર્થ સેવાયજ્ઞ અને તાજેતરનું ગૌરવ
માત્ર પ્રદર્શનો પૂરતા મર્યાદિત ન રહેતા રાણાભાઈએ નવી પેઢીમાં આ વારસો જીવંત રહે તે માટે છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી પોરબંદરના કામદાર કલ્યાણ કેન્દ્ર ખાતે નાના બાળકોથી લઈને મોટેરાઓને વિનામૂલ્યે મણિયાર રાસની તાલીમ આપવાનો નિ:સ્વાર્થ સેવાયજ્ઞ આદર્યો છે. તેમના આ અથાક પ્રયાસોથી સેંકડો યુવાનો આજે લોકકળાને સાચવી રહ્યા છે.
તેમની આ દીર્ઘકાલીન સાંસ્કૃતિક સેવાઓની કદરરૂપે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 15મી ઓગસ્ટ 2025ના રોજ પોરબંદર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
માટીની ખુમારી, તાલ અને સંસ્કૃતિને પોતાના શ્વાસ બનાવીને જીવનાર રાણાભાઈ આલાભાઈ સીડાનું જીવન એ ગુજરાતની લોકસંસ્કૃતિનો જીવતો જાગતો ઇતિહાસ છે.
