માધવાણી કોલેજ પાસે બન્યો બનાવ: અકસ્માત સર્જીને નાશી છૂટનાર અજાણ્યા ચાલક સામે નોંધાયો ગુન્હો
પોરબંદરના બે મિત્રો સ્કૂટરમાં રાત્રિના સમયે હાઇવે હોટલ પર નાસ્તો કરવા માટે જતા હતા ત્યારે કારચાલકે ઠોકર મારતા બંનેને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે લવાયા બાદ અકસ્માત સર્જીને નાશી છૂટેલ અજાણ્યા કારચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના મેમણવાડ વિસ્તારમાં આઇસ એપાર્ટમેન્ટ સામે રહેતા મોહઝીમ અસ્ફાક સંધાર નામના 19 વર્ષના યુવાને ઉદ્યોગનગર પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. 28-9ના રાત્રે પોણા બાર વાગ્યે તે અને તેનો મિત્ર મુદ્સર મોહંમદ હનીફ ગીગાણી બંને હાઇવે પર આવેલી જી.જે.-25 હાઇવે હોટલ ખાતે નાસ્તો કરવા જતા હતા મુદ્સર સ્કૂટર ચલાવતો હતો અને મોહઝીમ પાછળ બેઠો હતો. માધવાણી કોલેજ પાસે પહોંચ્યા ત્યારે હાઇવે પર પાછળથી ફૂલ સ્પીડે આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી દેતા સ્કૂટર પડી ગયુ હતુ અને બંને યુવાનો ફંગોળાઇ ગયા હતા. કારચાલક ત્યાં કાર મુકીને ભાગી ગયો હતો. કોઇએ 108ને જાણ કરતા બંને ને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયા હતા. ફરિયાદી મોહઝીમને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દીધી હતી જ્યારે મુદ્સરને વધુ ઇજા થઇ હોવાથી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાં તેની સારવાર ચાલુ છે. અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાઇવે પરના સી.સી.ટી.વી. કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.
ટ્રાફિક નિયમનો ભંગ કરતા સાત વાહનચાલકો સામે થઇ કાર્યવાહી
પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા સાત વાહનચાલકોસામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં છાયા નવાપરાની પ્રાથમિક શાળા પાસે રહેતો અલ્પેશ લખુ પરમાર દારૂ પીધેલી હાલતમાં બાઇક લઇ મચ્છી માર્કેટ પાસેથી નીકળ્યો ત્યારે પોલીસે પકડી પાડયો હતો. ખારવાવાડના મોટા પંજા પાસે રહેતા અજય જીવન ટોડરમલને નશાની હાલતમાં બાઇક ચલાવતા ખારવાવાડમાંથી પકડી પાડયો હતો. ખાપટના રવિપાર્કમાં રહેતા રમેશ બુધ્ધગર ગોસ્વામીએ જ્યબેલીના ચાર રસ્તે ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા પાર્ક કરતા ગુન્હો દાખલ થયો હતો. રાણાવાવના સ્ટેશન વિસ્તારના ઉમેશ મહેન્દ્ર ગોંડલીયાને રાણાવાવમાં રોંગ સાઇડમાં ફૂલસ્પીડે રીક્ષા ચલાવતા પકડી લેવાયો હતો. આદિત્યાણા બોરીચાના પાટીયા પાસે રહેતા બીજલ સુકા મોરીને આદિત્યાણાના કબ્રસ્તાન પાસેથી પૂર ઝડપે રીક્ષા ચલાવતા પકડી લેવાયો હતો. રાતીયા ગામે વણકરવાસમાં રહેતા સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા જીતેશ ભોજા રાઠોડને નરવાઇ મંદિર સામેથી રોંગ સાઇડમાં બેફિકરાઇથી બાઇક ચલાવતા પકડી લીધો હતો. પોરબંદરના ખારવાવાડમાં રહેતા નીકુલ મુકેશ જુંગીને ફૂલસ્પીડે બેફિકરાઇથી છકડો રીક્ષા ચલાવતા જુના જકાતનાકા પાસેથી પકડી લીધો હતો.
