1લી ઓકટોબરે ઓડદર ખાતે સર્વોદય વનનું લોકાર્પણ કર્યા બાદ વીલા સર્કિટ હાઉસ ખાતે કરશે રોકાણ: બીજી ઓકટોબરે કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ શીતલા ચોક ખાતે કરશે સફાઇ અભિયાન: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અપાઇ જાણકારી
પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં દ્વિ-દિવસીય કાર્યક્રમો યોજાશે. 1લી ઓકટોબરે ઓડદર ખાતે સર્વોદય વનનું લોકાર્પણ કર્યા બાદ વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને બીજી ઓકટોબરે કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ શીતલાચોક ખાતે સફાઇ અભિયાન કરશે જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી અપાઇ હતી.
પોરબંદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદર ખાતે આવશે અને બે દિવસના વિધિવત કાર્યક્રમ અંગે માહિતી આપવા જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું પોરબંદરમાં આગમન થયા બાદ 1લી ઓકટોબર ગુરુવારે બપોરે 3:30 કલાકે ઓડદર ખાતે સર્વોદય વનના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે તેમની સાથે પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મુખ્યમંત્રી વીલા સર્કીટ હાઉસ ખાતે રોકાણ કરશે.એ પછી તા. 2 ઓકટોબરના સવારે કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. પ્રાર્થનાસભાની પૂર્ણાહુતિ બાદ શીતલાચોક ખાતે સફાઇ અભિયાન કરશે અને એ પછી તેઓ પોરબંદરમાંથી વિદાય લેશે તેવુ જાણવા મળ્યુ છે. મુખ્યમંત્રીના આ પ્રાથમિક કાર્યક્રમ અંગે તડામાર તૈયારી ચાલી રહી છે. સર્વોદય વનના લોકાર્પણમાં પણ વધુને વધુ લોકો જોડાય તે માટે તંત્ર પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યુ છે.
