કેન્દ્રીય રમતગમત મંત્રીએ પોરબંદર જિલ્લા રાયફલ શુટીંગના લાઇફ મેમ્બરની પીઠ થાબડી
રાજ્યકક્ષાની રાયફલ પિસ્તોલની ઇવેન્ટમાં છ ગોલ્ડમેડલ મેળવનાર યુવાનને બિરદાવાયો હતો. કેન્દ્રીય રમતગમત મંત્રીએ પોરબંદર જિલ્લા રાયફલ શુટીંગના લાઇફ મેમ્બરની પીઠ થાબડી હતી.
શૂટિંગ સ્પોર્ટ્સમાં પોરબંદર જિલ્લા રાયફલ શૂટિંગ એસોસિએશનથી પોતાની પિસ્તોલ શૂટિંગ કારકિર્દી શરૂ કરનાર રાણા પૃથ્વીરાજસિંહ દિવ્યરાજસિંહ નાની ઉંમરે ફાયર આર્મ્સ રાયફલ તથા પિસ્તોલની વિવિધ ઇવેન્ટ્સ માં રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ચાલુ વર્ષે રાજ્ય કક્ષાની રાયફલ પિસ્તોલની વિવિધ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી કુલ 6 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી શૂટિંગ ક્ષેત્રે સત્તત મહેનતના કારણે એક પ્રતિભાશાળી અને નેશનલ લેવલે રિનાઉન્ડ શૂટર તરીકે આગવી ઓળખ ઉભી કરી છે.
તાજેતરમાં એમ.બી. કોલજ – ગોંડલ ખાતે રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા રાણા પૃથ્વીરાજસિંહ દિવ્યરાજસિંહ ને શુભેચ્છા મુલાકાત દરમ્યાન અભિવાદન કરવામાં આવ્યું હતું. તેઓએ તેમની અત્યાર સુધીની સિદ્ધિઓને બિરદાવી આગામી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને દેશી રાજ્યનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
પોતાની આ સિદ્ધિ માટે પોરબંદર જીલ્લા રાયફલ શૂટિંગ એસો.ના હોદ્દેદારો એડવોકેટ એમ.જી. શિંગરખીયા, એડવોકેટ ભરતભાઈ લાખાણી, એડવોકેટ નિલેષ કુમાર જોશી અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા પરવાનામાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ખૂબ સારો સહયોગ મળવા બદલ તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો. તેઓની સરળતા અને સહજતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને શૂટિંગ રમત ક્ષેત્રે ગુજરાતની વધતી પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે.
