રાણાવાવ-કુતિયાણાના યુવા ધારાસભ્યએ નવાગામ, ચીકાસા તથા રાતિયા ગામના લોકોના પ્રશ્ર્નો સાંભળ્યા: સ્થળ ઉપર નિરાકરણ કરવા અધિકારીઓને આપી સુચના
સામાન્ય રીતે નેતાઓ ચૂંટણી આવે ત્યારે જનસંપર્ક કરતા હોય છે પરંતુ રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્યએ વગર ચૂંટણીએ જન સંપર્ક શરૂ કર્યો છે અને લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવાની કામગીરી હાથ ધરી છે.
કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા પોતાના મતવિસ્તારના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત નવાગામ, ચીકાસા અને રાતીયા ગામોની મુલાકાત લેવામાં આવી હતી. “જનસેવા એ જ પ્રભુસેવા” ના મંત્ર સાથે તેઓ સતત લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.નવાગામ ખાતે પહોંચતા જ ગ્રામજનો દ્વારા ધારાસભ્યનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દેવશીભાઈ, લીલાભાઈ,સરપંચ સહિત વડીલો અને યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના આંતરિક રસ્તા, પીવાના પાણી અને ખેતી વિષયક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધારાસભ્યશ્રીએ ગંભીરતાથી નોંધી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.ત્યારબાદ ચીકાસા ગામની મુલાકાત દરમિયાન ધારાસભ્યએ ગામના ચોકમાં લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. દેવશીભાઈ, પુંજાભાઈ, સરપંચ સહિત ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.ધારાસભ્યએ કહ્યું હતું કે, “તમારો એક પણ પ્રશ્ન કાગળ પર નહીં રહે, તેનું નિરાકરણ લાવવું એ મારી જવાબદારી છે.”રાતીયા ગામની મુલાકાતમાં સરપંચ જગુભાઈ રાતીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગામલોકોએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાંધલભાઈ જેવા ધારાસભ્ય મળવા એ ગૌરવની વાત છે, જેઓ અધિકારીને બોલાવવાને બદલે જાતે ગામમાં આવીને પ્રશ્નો સાંભળે છે.આ સમગ્ર પ્રવાસ દરમિયાન ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિસ્તારના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે અને કોઈ પણ ગામનો નાનામાં નાનો પ્રશ્ન પણ અધૂરો ન રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે અધિકારીઓને પણ ટકોર કરી હતી કે લોકોના કામમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં.આ પ્રસંગે ત્રણેય ગામના સરપંચો, સામાજિક આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
