પોરબંદરમાં શ્રી માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થી ભવન ખાતે ટ્રસ્ટ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

બે ટ્રસ્ટીઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા: નવા ટ્રસ્ટીઓની થઇ નિમણૂંક: વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા થઇ ચર્ચા

પોરબંદરમાં શ્રી માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થી ભવન ખાતે ટ્રસ્ટ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. શ્રી માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થી ભવન, પોરબંદર ખાતે સંસ્થાના ટ્રસ્ટ બોર્ડની એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. સંસ્થાના શૈક્ષણિક, સામાજિક તથા સંસ્થાકીય વિકાસને વધુ ગતિ આપવા તેમજ આગામી સમયગાળા માટેની વિવિધ કામગીરી અંગે મિટિંગમાં મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મિટિંગની શરૂઆતમાં સંસ્થાના ટ્રસ્ટીઓ સ્વ. એભાભાઈ ચનાભાઈ કડછા તથા સ્વ. ભીમભાઈ કરશનભાઈ ગોરસીયાના તાજેતરમાં થયેલા દુ:ખદ અવસાન અંગે ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બંને દિવંગત ટ્રસ્ટીઓએ સંસ્થા અને સમાજના હિતમાં આપેલા યોગદાનને સ્મરણ કરી તેમના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિમણૂક
મિટિંગ દરમિયાન સંસ્થાના ટ્રસ્ટ બોર્ડમાં ખાલી પડેલી ટ્રસ્ટીઓની જગ્યાઓ પર નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવા અંગે ઉપસ્થિત ટ્રસ્ટીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે સંસ્થાના હિત, પરંપરા અને ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને પૂજ્ય માલદેવ રાણા કેશવારા (પૂજ્ય માલદેવ બાપુ)ના પૌત્ર રણજીતભાઈ લખમણભાઈ કેશવારા તથા નાગાજણભાઈ માત્રાભાઈ ઓડેદરાની નવા ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.નવનિયુક્ત ટ્રસ્ટીઓનું સંસ્થાના પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા દ્વારા પુષ્પગુચ્છ તથા ઉષ્માવસ્ત્ર અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને નવનિયુક્ત ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવી સંસ્થાના આગામી વિકાસકાર્યોમાં તેમના સક્રિય સહયોગની શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
સંસ્થાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ
મિટિંગમાં મહેર સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, માર્ગદર્શન તથા સંસ્થાની વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ સુદૃઢ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાની સ્થાપનાની ભાવના અને પૂજ્ય માલદેવ બાપુના સેવાકીય સંસ્કારોને આગળ ધપાવી આગામી સમયમાં વિદ્યાર્થીલક્ષી તથા સમાજલક્ષી કાર્યોને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ મિટિંગમાં સંસ્થાના પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ભરતભાઈ ઓડેદરા, ડો. વિરમભાઈ ગોઢાણિયા, સામતભાઈ ઓડેદરા, ભીમભાઈ ઓડેદરા, ખીમાભાઈ રાણાવાયા, વિરમભાઈ ઓડેદરા, રણજીતભાઈ કેશવારા તથા નાગાજણભાઈ ઓડેદરા સહિતના ટ્રસ્ટીઓ તથા અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગના અંતે સંસ્થાના હિતમાં એકતા, સહકાર અને સંકલન સાથે આગળ વધવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ