કડેગી ગામના વીસીઇએ ફાર્મર રજીસ્ટ્રીમાં બે સરખા નામ અંગે પૂછપરછ કરતા અધિકારીએ આપેલા જવાબથી ચકચાર: ટીલા ટપકા કરીને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં ડાહી ડાહી વાતો કરીને ભાષણ આપવા ટેવાયેલા અધિકારીની વાયરલ થયેલી ઓડિયો ક્લિપે પોરબંદરમાં જગાવી ચર્ચા
પોરબંદરના જિલ્લા ખેતીવાડી અધિકારીએ વીસીઈ સાથે મોબાઈલમાં અધિકારીને શોભે નહીં તેવા શબ્દોમાં વાતચીત કર્યા નો ઓડિયો પોરબંદરના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ટીલા ટપકા કરીને સોશિયલ મીડિયા અને મીડિયામાં ડાહી ડાહી વાતો કરવા ટેવાયેલા આ અધિકારીના શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે જ પોરબંદરના અધિકારીઓના જગતમાં અને લોકોમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.
પોરબંદર નજીકના કડેગી ગામના વીસીઈ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ત્રિવેદીને ફોન કરીને પૂછવામાં આવતા તેમણે જે જવાબ આપ્યો છે તે શબ્દસ: આ પ્રમાણે છે.
હેલો, નમસ્તે સર, વીસીઈ બોલું કડેગીથી.
અધિકારી: નમસ્કાર, બોલો.
વીસીઇ: સર, હવે ફાર્મર રજીસ્ટ્રીમાં છે ને ગાંગા રામા અમારા ગામમાં બે છે, તો એક ગાંગા રામા ના ખાતામાં બેયની જમીન એડ થઈ ગઈ. તો એ ડીલીટ કરવી હોય તો શું કરવું પડે સર?
ખેતીવાડી અધિકારી: એ તમારે કાં તો… ફાર્મર રજીસ્ટ્રી ટીડીઓ અથવા મામલતદારને પૂછવું પડે. ખેતીવાડી તો ખાલી પ્રચાર-પ્રસાર કરે છે.
વી.સી.ઇ.: ઓકે સર, ત્યાં તો અમે ફોન કરી લીધો તો એને અમને ખેતીવાડીના નંબર, આ નંબર આપ્યા.
ખેતીવાડી અધિકારી:ખેતીવાડીમાં શું થાય? એને કે’જે તંબૂરો થાય એવું કીધું સાહેબે. જેને ફોન કર્યો ને એને કે’જે તંબૂરો થાય, એમ કીધું હોં.
વીસીઇ: ઓકે, ઓકે સર.
આ પ્રકારની વાતચીત સાથેનો ઓડિયો વાયરલ થયો છે જેની અધિકારી ગણમાં પણ ભારે ચર્ચા છે કારણ કે પોરબંદરમાં કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને વહાલા થવા માટે થઈને ટીલા ટપકા કરીને આ અધિકારી અવારનવાર મીડિયા અને સોશિયલ મીડિયામાં ડાહી ડાહી વાતો કરતા હોય છે અને પોરબંદરના લોકોની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરું છું તેવું પણ કહેતા હોય છે ત્યારે તેના શબ્દોના આ ઉચ્ચારો થી પોરબંદરના અધિકારી જગતમાં અને લોકોમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે!
