રાણાબોરડીમાં પુર સંરક્ષણની દીવાલ પ્રશ્ર્ને વધુ એક વખત થઇ રજૂઆત

કથિત ભ્રષ્ટાચાર અંગે 15 મહિના બાદ પણ જવાબદારો સામે ગુન્હો દાખલ નહી થતા મીશન માતૃભૂમિ દ્વારા કરવામાં આવી ફરિયાદ

રાણાબોરડીમાં પુર સંરક્ષણની દીવાલ પ્રશ્ર્ને વધુ એક વખત રજૂઆત થઇ છે. કથિત ભ્રષ્ટાચાર અંગે 15 મહિના બાદ પણ જવાબદારો સામે ગુન્હો દાખલ નહી થતા મીશન માતૃભૂમિ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
રાણાબોરડી ગામની પૂર સંરક્ષણ દિવાલ અંગે છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલા વિવાદમાં હવે ફરી એક વખત તાત્કાલિક એફ.આઇ. આર. અને સ્વતંત્ર ફોજદારી તપાસની માંગ ઉઠી છે. મીશન માતૃભૂમિના હરીશ રાવત દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્ય સરકારથી લઈને જિલ્લા સ્તરના અધિકારીઓ સુધી કરવામાં આવેલી અંતિમ રજૂઆતમાં આર.ટી.આઇ. દસ્તાવેજો, સરકારી રેકોર્ડ, સ્થળના ફોટોગ્રાફ-વીડિયો, ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની રજૂઆતોને આધાર બનાવવામાં આવ્યા છે.
તપાસ થઈ, સુનાવણી થઈ, તો એફ.આઇ.આર.કેમ નહીં?
અરજદારના જણાવ્યા મુજબ તા. 27 મે 2026ની મૂળ ફરિયાદ બાદ વિવિધ સરકારી રેકોર્ડ તથા આધારિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. તા. 27 જુલાઈ 2026ના રોજ ગ્રામજનોની હાજરીમાં થયેલી રજૂઆત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ ગ્રામજનો અને આગેવાનો સાથે પૂછપરછ કરવામાં આવી હતી. પૂર્વ સરપંચની રજૂઆત,સુનાવણી સહિત તપાસની વિવિધ પ્રક્રિયા હાથ ધરાઈ હોવા છતાં હજુ સુધી ફોજદારી કાર્યવાહી શરૂ ન થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દિવાલનો લાભ કોને?
તપાસનો મુખ્ય સવાલ
અરજદારનો દાવો છે કે પૂર સંરક્ષણ માટે સરકારી નાણાંથી બનાવવામાં આવેલી દિવાલની જગ્યા, રચના અને વાસ્તવિક ઉપયોગિતા અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા થાય છે. દિવાલનો લાભ જાહેર હિત કરતાં ચોક્કસ ખાનગી જમીન તરફ થયો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે.અરજીમાં માંગ કરવામાં આવી છે કે મંજૂરીથી લઈને બાંધકામ, માપણી, બિલ-ચુકવણી, જમીન રેકોર્ડ અને વાસ્તવિક લાભાર્થી સુધીની સમગ્ર કડીની સ્વતંત્ર તપાસ કરવામાં આવે.
આર.ટી.આઇ.થી વીડિયો સુધીના પુરાવા રજૂ થયાનો દાવો
અરજદાર દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં આર.ટી.આઇ.થી પ્રાપ્ત સરકારી દસ્તાવેજો, કામની મંજૂરી અને રેકોર્ડ, સ્થળના ફોટોગ્રાફ, ભારે વરસાદ દરમિયાન પાણીની સ્થિતિ દર્શાવતા વીડિયો, દિવાલનું વાસ્તવિક સ્થાન, જમીન સંબંધિત દસ્તાવેજો તથા ગ્રામજનોની રજૂઆતોનો સમાવેશ થાય છે.અરજદારનું કહેવું છે કે આટલા દસ્તાવેજી અને સ્થળ આધારિત
પુરાવા ઉપલબ્ધ હોવા છતાં માત્ર વહીવટી પ્રક્રિયા ચાલુ રાખવાને
બદલે હવે ફોજદારી તપાસ શરૂ થવી જોઈએ.
બી.એન.એસ. અને પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી માંગાઈ
રજૂઆતમાં સરકારી નાણાંના સંભવિત ગેરઉપયોગ, ખોટા દસ્તાવેજો, ખોટી માપણી, ખોટી ચુકવણી, છેતરપિંડી અથવા વિશ્ર્વાસઘાત જેવા તત્ત્વો તપાસમાં સામે આવે તો ભારતીય ન્યાય સંહિતા, 2023 તથા અન્ય લાગુ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.
સાથે જ ગુજરાત પંચાયતો અધિનિયમ, 1993ની કલમ 267 હેઠળ પંચાયતના નાણાં અથવા મિલકતના લોસ વેસ્ટ, અથવા મીસ એપ્લીકેશન અંગે જવાબદારી અને વસૂલાતની જોગવાઈનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી સુધી ફરિયાદ
અરજદારના જણાવ્યા પ્રમાણે આ મુદ્દે રાષ્ટ્રપતિને બે વખત અને પ્રધાનમંત્રી કાર્યાલયને પણ બે વખત રજૂઆતો કરવામાં આવી છે.
તેમ છતાં સ્થાનિક સ્તરે એફ.આઇ.આર. સહિતની નક્કર કાર્યવાહી ન થતાં હવે જિલ્લા તંત્રથી લઈને રાજ્ય અને કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અંતિમ અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ