બોખીરાની આવાસ યોજનામાં ધડાકાભેર છતમાંથી પડ્યા પોપડા

મહિલાનો થયો બચાવ: કોંગ્રેસના સેવાદળ દ્વારા પાઠવાયુ આવેદન

પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજના ખાતે ફ્લેટમાં છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હતા.એક મહિલાનો બચાવ થયો છે.
પોરબંદર મહાનગરપાલિકાની ભાજપની બોડી દ્વારા વિકાસના કરવામાં આવતા દાવાઓ વચ્ચે બોખીરા આવાસ યોજનામાં મકાનોની જર્જરિત હાલતનો ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે. બોખીરા આવાસ યોજના બી.એચ.એસ.યુ.-2ના બિલ્ડીંગ નંબર 10ના ચોથા માળે આવેલા મકાન નંબર 37 અને 38 પાસે આજે સવારે આશરે 8 વાગ્યાના અરસામાં છતના પોપડા પડવાની ઘટના બની હતી. કપડાં સૂકવી રહેલી મહિલાનો સદનસીબે આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે આવાસ યોજનામાં રહેતા ગરીબ પરિવારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર બનાવ અંગે પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના શહેર પ્રમુખ અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર તથા મેયરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.રજુઆતમાં બોખીરા આવાસ યોજનાના મકાનોની તાત્કાલિક તપાસ કરાવી જરૂરી સમારકામ હાથ ધરવાની માંગ સાથે પંદર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, બોખીરા આવાસ યોજનામાં બનાવવામાં આવેલા મકાનોમાં વારંવાર છતના પોપડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. બિલ્ડીંગ નંબર 10માં રહેતા મનીષાબેન જીતેન્દ્રભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે, છતના પોપડા પડવાની ઘટનાઓને કારણે રહેવાસીઓમાં સતત ભયનો માહોલ છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક ઇજનેર મારફતે સમગ્ર બિલ્ડીંગનો સર્વે કરાવવામાં આવે અને જરૂરી સ્થળોએ છતનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત બિલ્ડીંગની સીડીઓની જે બાજુએ સલામતીની પૂરતી વ્યવસ્થા નથી ત્યાં તાત્કાલિક રેલિંગ લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હાલમાં આવાસ યોજનાની બિલ્ડીંગમાં નાના બાળકો, મહિલાઓ તથા વૃદ્ધોને ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી આવવા-જવામાં ભારે મુશ્કેલી પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. મકાનોની સ્થિતિ અને સલામતી અંગેની ચિંતાને કારણે અનેક પરિવારો ભયના માહોલમાં જીવન પસાર કરી રહ્યા હોવાનું પણ જણાવાયું છે.
અશ્વિનભાઈ મોતીવરસે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોરબંદરની જનતાએ ભાજપને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખોબલે ખોબલે મત આપી કુલ બાવન બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી આપી છે. ભાજપની બોડીને સત્તામાં આવ્યાને આશરે છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં ગરીબ પરિવારો માટે બનાવવામાં આવેલા આવાસ યોજનાના મકાનોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલા આવાસમાં રહેતા લોકોની સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન ચાલે. છતના પોપડા પડવાની ઘટનાને માત્ર નાની ઘટના ગણીને અવગણવાને બદલે સમગ્ર આવાસ યોજનાની બાંધકામની સ્થિતિની તાત્કાલિક ચકાસણી કરવી જરૂરી છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અશ્વિનભાઈ મોતીવરસે ચીમકી ઉચ્ચારી છે કે, આગામી પંદર દિવસની અંદર બોખીરા આવાસ યોજનાના મકાનોમાં તાત્કાલિક સમારકામનું કામ શરૂ કરવામાં નહીં આવે તો તમામ બહેનોને સાથે રાખીને પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે રામધૂન બોલાવી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેમણે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગરીબ પરિવારોની સલામતીને પ્રાથમિકતા આપી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ