ગેરકાયદેસર રીતે ઘાસચારો નાખનારા ધંધાર્થીઓથી માંડીને પુણ્યના પોટલા બાંધવા આવનારા લોકો સામે પણ થશે પોલીસ ફરીયાદ: વહીવટી તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખનારા પુણ્યનું પોટલું બાંધવા આવેલા લોકો અને ઘાસચારો વહેંચનારા ધંધાર્થીઓ સામે પોલીસ ફરીયાદો દાખલ કરવામાં આવશે.
સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.21/08/2023 ના પરિપત્રથી શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા-2023 જાહેર કરવામાં આવી છે જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ, રસ્તા ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઇઓ મુજબ પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ ડી ધાનાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામાની વિગતો અનુસાર પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ તેમજ ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યકિત ધ્વારા ઘાસચારાનું વેંચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.આ જાહેરનામું પોરબંદર મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તા.27.11.2026 સુધી અમલમાં રહેશે. અને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
