હૃદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા અને સમાજમાં સમરસતા એ જ પૂજ્ય બાપુને સાચી શ્રધ્ધાંજલિ: મુખ્યમંત્રી

પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતી નિમિત્તે કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ: અહિંસાના શસ્ત્રથી વિશ્ર્વને નવી રાહ ચીંધનારા મહામાનવના રસ્તે ચાલવુ એ જ આજના સમયની માંગ: નિમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાઇ પ્રાર્થનાસભા

હૃદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા અને સમાજમાં સમરસતા એ જ પૂજ્ય બાપુને સાચી શ્રધ્ધાંજલિ છે તેમ જણાવીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલેે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર ખાતે કીર્તિમંદિરમાં યોજાયેલ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં પૂજ્ય બાપુને નમન કરીને શ્રધ્ધા સૂમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીનું ઉદ્બોધન
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પૂજ્ય બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યુ હતુ કે સત્ય અને અહિંસાના પૂજારી, યુગપુરૂષ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પૂજ્ય બાપુની આ દિવ્ય ચેતનાને હું કોટી કોટી પ્રણામ કરું છું.આ ધન્ય ધરતી છે. જે માટીમાંથી સત્યનો પૂજારી જન્મ્યો, જે માટીમાંથી સાબરમતીનો સંત જન્મ્યો, જે સંતે અહિંસાના શસ્ત્રથી વિશ્વને નવી રાહ ચીંધી, એવા વિશ્વમાનવ મહાત્મા ગાંધી આ જ પોરબંદરની માટીમાં જન્મ્યા છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.પૂજ્ય બાપુ કહેતા કે, ‘જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને સૂર્યપ્રકાશ જરૂરી છે, એ જ રીતે આત્માને ટકાવી રાખવા માટે પ્રાર્થના એ જ ખોરાક છે.’પ્રાર્થના એ માત્ર શબ્દોનો ઉચ્ચાર નથી. પ્રાર્થના એ અંતરાત્મા સાથેનો સંવાદ છે. તે સદાચાર માટેની આંતરિક શક્તિ છે. વ્યક્તિના જીવનમાં પ્રાર્થના વિનમ્રતા, સંયમ, કરૂણા અને સત્યની પ્રેરણા આપે છે. અને સમાજજીવનમાં પ્રાર્થના પરસ્પર વિશ્ર્વાસ, સદ્ભાવના અને સેવાભાવને મજબૂત બનાવે છે. આજની આ સર્વધર્મ પ્રાર્થના સભા એ જ ભાવનાનું પ્રતીક છે.આપણી વિવિધ પરંપરાઓ અને જીવન પદ્ધતિઓમાં રહેલી એકતા એ જ ભારતની તાકાત છે. સર્વધર્મ પ્રાર્થનાસભાનો અર્થ કોઈ એક આસ્થાને નાની કે મોટી ગણવાનો નથી. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા સાથે ગૌરવપૂર્વક જીવી શકે, જુદી -જુદી ધાર્મિક પરંપરાઓ વચ્ચે સંવાદ અને સહ-અસ્તિત્વ રહે, એ જ આપણી સંસ્કૃતિનો સંદેશ છે.પૂજ્ય બાપુએ સ્વરાજનો મંત્ર આપ્યો હતો. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રથી તે સ્વરાજને સુરાજ્યમાં પલટાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.તેમણે ગામડા, ગરીબ અને છેવાડાની અંતિમ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવી છે. ગાંધીજીના વિચારોની આ જ આધુનિક અભિવ્યક્તિ છે.નરેન્દ્રભાઈએ સફાઈને જન આંદોલન બનાવ્યું છે અને દુનિયામાં દાખલો બેસાડ્યો છે. નરેન્દ્રભાઇ મોદીએ કરાવેલ સ્વચ્છ ભારત મિશનથી આજે બાળકથી લઈને વડીલ સુધી સૌ કોઈ સ્વચ્છાગ્રહી બન્યા છે.તેમણે ખાદીને નવી પેઢી સાથે જોડીને ફેશન સ્ટેટમેન્ટ બનાવી દીધી છે. ખાદી આજે ગરીબના કલ્યાણનું માધ્યમ બની છે. આ જ રીતે ગરીબ કલ્યાણ, આત્મનિર્ભરતા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પથી બાપુએ જોયેલું રાષ્ટ્રના વિકાસનું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે. અંગ્રેજો સામેના જંગમાં પૂજ્ય બાપુના નેતૃત્વમાં 1947માં આપણને આઝાદી મળી. એ આઝાદી અમૂલ્ય છે. હવે આઝાદીના અમૃતકાળની યાત્રામાં વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવાનો છે.તો ચાલો, આજે આપણે સૌ આ પવિત્ર પ્રાર્થના સભા દ્વારા પૂજ્ય બાપુના માર્ગે ચાલવાનો સંકલ્પ લઈએ.હૃદયમાં પ્રેમ હોય, જીવનમાં અહિંસા હોય, સમાજમાં સમરસતા હોય અને હૃદયમાં હંમેશા રાષ્ટ્ર પ્રથમનો ભાવ હોય, એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. તેમ ઉમેર્યુ હતુ.
કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું ઉદૃબોધન
પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણમંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ પૂજ્ય બાપુને શબ્દાંજલિ અર્પણ કરતા જણાવ્યુ હતુ કે એક મહાન વિચારકે કહ્યું હતું કે, આ મહાન વ્યક્તિ ક્યારેય હાડ-માંસના શરીર રૂપે આ પૃથ્વી પર વિહરતી હશે એવો ભવિષ્યમાં કોઈ ભરોસો પણ નહીં કરે. આ વાત પૂજ્ય ગાંધીબાપુ માટે જ કહેવાઈ છે. કારણ કે આવું અસાધારણ કામ કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે, એ તો કોઈ યુગપુરૂષ જ કરી શકે.આજે તમે વિશ્ર્વમાં જુઓ. ચારે તરફ યુદ્ધો ચાલે છે, કેટલો વિનાશ થઈ રહ્યો છે. પણ આ બધું ગુમાવીને પણ આખરે તો ટેબલ પર બેસીને જ સમાધાન કરવું પડે છે. તો પછી આ હિંસા શા માટે? આ જ સવાલનો જવાબ ગાંધીજીના વિચારોમાં છે. યુદ્ધના સમયે પણ અહિંસા જ એકમાત્ર માર્ગ છે, એ ગાંધીજીએ બતાવ્યું.એટલે જ આજે વિશ્ર્વના મોટા દેશો પણ મજબૂર થઈને પોતાની પાર્લામેન્ટ હાઉસની સામે મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ સ્થાપિત કરે છે. કરોડો લોકોની વેદનાને સમજીને, એક નાનકડા માણસે માણસના જીવનને બદલવાનું કામ કર્યું, એનું નામ મહાત્મા ગાંધી. ત્યારે આજના દિવસે આપણે સંકલ્પ લઈએ કે ગાંધીજીએ સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો હતો, તેને આપણે આપણા શહેર પોરબંદરમાં સાકાર કરીશું. આપણું શહેર સ્વચ્છ બનાવીશું, સુંદર બનાવીશું. આપ સૌને મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમ ઉમેર્યુ હતુ.
મહાનુભાવોની ઉપસ્થિતિ
પોરબંદરમાં પૂજ્ય બાપુની સર્વધર્મ પ્રાર્થનાસભામાં રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરા, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, મ્યુનિસિપલ કમિશ્ર્નર ટી.સી. તીરથાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રભારી વિમલ કગથરા, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી સહિત કોસ્ટગાર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં આર્ય ક્ધયા ગુરુકુલની નિમંત્રિત વિદ્યાર્થીનીઓ તેમજ શહેરના અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ