મુખ્યમંત્રીએ દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો ઉપર વરસાવ્યો પ્રેમ

ઉદ્યોગપતિ કેતન ગજ્જરના મહેમાન બનેલા ભુપેન્દ્રભાઇ પટેલે વિશિષ્ટ બાળકો સાથે આત્મીયતા દાખવીને પોતાના હાથેથી ભાવથી પીરસ્યુ ભોજન: સાદગી અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયુ: હનુમાન ચાલીસાના સમુહગાનનું પણ થયુ આયોજન

પોરબંદરના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જાણીતા ઉદ્યોગપતિ કેતન ગજ્જરના મહેમાન બન્યા હતા અને ત્યાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનનું આયોજન કર્યુ હતુ ત્યારે મુખ્યમંત્રીએ તેમના હાથેથી બાળકોને ભાવતા ભોજનીયા પીરસીને અખૂટ લાગણી પણ વરસાવી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરની ધરતી પરથી સાદગી, સહજતા અને સંવેદનાનો અદ્ભુત સંદેશ આપ્યો હતો.
‘ગોવિંદા’ ખાતે
આત્મીયતાનો અવસર
પોરબંદરના જાણીતા સેવાભાવી કેતનભાઈ ગજ્જરના ધરમપુર નજીક આવેલા નિવાસસ્થાન ‘ગોવિંદા’ ખાતે એક અનોખો અને હૃદયસ્પર્શી પ્રસંગ યોજાયો હતો. મુખ્યમંત્રીએ કોઈપણ પ્રકારની ઔપચારિકતા વિના, દ્રષ્ટિહીન અને વિશેષ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોની વચ્ચે જમીન પર બેસીને, એક પરિવારના સભ્યની જેમ સહભોજન કર્યું હતું.પદ કે પ્રોટોકોલથી પર રહીને બાળકો સાથે આત્મીય વાતો કરવી, તેમના માથે હાથ ફેરવવો અને તેમની દુનિયામાં એકરૂપ થઈ જવું આ દૃશ્ય ઉપસ્થિત સૌ માટે લાગણીસભર હતું.
બાળકો માટે અવિસ્મરણીય ક્ષણ
મુખ્યમંત્રી સાથે ભોજન લેવાનો અવસર મળતા નાના ભૂલકાંઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો હતો. અનેક બાળકો માટે આ જીવનની સૌથી યાદગાર અને ભાવુક ક્ષણ
બની રહી હતી. બાળકોનો નિખાલસ આનંદ અને મુખ્યમંત્રીની નિર્મળ આત્મીયતાથી સમગ્ર વાતાવરણ પારિવારિક અને હૃદયસ્પર્શી બની ગયું હતું.
ભક્તિ અને સેવાનો સંગમ
આ પ્રસંગને વધુ ભાવમય બનાવતા લોકગાયક બ્રિજરાજ ગઢવીએ હનુમાન ચાલીસાનું સૂરમય ગાન પ્રસ્તુત કર્યું હતું. મુખ્યમંત્રી પણ બાળકો અને ઉપસ્થિત સૌની સાથે એકરૂપ થઈ, હનુમાન ચાલીસાના સમૂહગાનમાં જોડાયા હતા, જેનાથી સમગ્ર ગોવિંદા પરિસર ભક્તિમય બની ગયું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ આત્મીય પ્રસંગે કેબિનેટ મંત્રીઅર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપ જિલ્લા પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે સહભોજનમાં સહભાગી બન્યા હતા.
અંતમાં મુખ્યમંત્રીએ કેતનભાઈ ગજ્જરને આવા સુંદર, યાદગાર અને આત્મીય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, બાળકો સાથે વિતાવેલી આ સાંજ જીવનભર યાદ રહે તેવી સ્મૃતિ બની રહેશે. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયેલો આ પ્રસંગ સાદગી, સેવા, સંવેદના અને સામાજિક સમરસતાનો દિવ્ય સંદેશ આપતો બની રહ્યો હતો.

ચાર સેવા સંસ્થાઓને મોટી આર્થિક સહાય થઇ અર્પણ
આ સેવાયજ્ઞને વધુ વેગ આપતા બાલા હનુમાન ગ્રુપ દ્વારા દિવ્યાંગ બાળકોની સેવા, શિક્ષણ અને પુનર્વસન ક્ષેત્રે કાર્યરત ચાર સેવાભાવી સંસ્થાઓને પ્રત્યેક રૂા. 2.11 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ ચેક મુખ્યમંત્રીના વરદ્ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. લાભાર્થી સંસ્થાઓમાં શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, શિશુકુંજ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળા,આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધી આશ્રમ, શ્રી આશીર્વાદ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

‘દાદા’એ બાળકોને બે કલાક જેટલો સમય ફાળવતા પડી ગઇ મોજ
પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોને મુખ્યમંત્રી ‘દાદા’ ભૂપેન્દ્રભાઇ પટેલે બે કલાક જેટલો વિશાળ સમય ફાળવ્યો હતો. પ્રત્યેક બાળક સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરીને તેમના ખબરઅંતર પૂછયા હતા અને બાળકો સરકાર પાસે શું ઇચ્છે છે? તેની આત્મીયતા સાથે ચર્ચા કરી હતી. પોરબંદરના આ બાળકોને કલ્પના પણ નહી હોય કે મુખ્યમંત્રી દરજ્જાની વ્યક્તિ તેમની સાથે બેસીને ભોજન પણ લેશે અને તેમના હાથેથી જમાડશે પણ ખરા. પરંતુ ઉદ્યોગપતિ કેતન ગજ્જરના પ્રયત્નોથી આ આયોજન સફળ થયુ હતુ ત્યારે ચારેચાર સંસ્થાના સંચાલકોએ યજમાન કેતનભાઇ ગજ્જરનો પણ આભાર માન્યો હતો.

થાળીમાં પીરસેલ ભોજન વિષે પ્રજ્ઞાચક્ષુ બાળકોને આંગળી પકડીને આપી સમજ
ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દ્રષ્ટિવિહીન બાળકોની આંગળી પકડીને થાળીમાં કેવા કેવા પ્રકારની વાનગી પીરસવામાં આવી છે તે સમજાવતા હતા. આ દ્રશ્ય જોઇને મુખ્યમંત્રીની સાદગી ઉપર સૌ કોઇ વારી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ