સૌને સુખી કરવા એ ભારતીય સંસ્કૃતિનો પાયો

ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહમાં ભક્તો ઉમટયા:વામન જયંતી ઉત્સવ ઉજવાયો

પોરબંદરના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહમાં ભક્તો ઉમટયા હતા.
રેલ્વે સ્ટેશન ખાતે આવેલા શ્રી ભીમનાથ મહાદેવ મંદિર અન્નક્ષેત્ર ‘વૃજધામ’ મુકામે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર કાર્યકારી સમિતિ દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોથી સ્થાપન તથા મંગલ દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ જ્ઞાનયાત્રાના ત્રીજા દિવસે વામન ભગવાનના પ્રાગટ્ય પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો કથાશ્રવણ તથા વામન ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
મથુરા-ગોવર્ધન ધામના જાણીતા ભાગવતાચાર્ય પ.પુ. શ્રી સોનુ કૃષ્ણ ઠાકુરજી મહારાજ સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં પોરબંદર શહેર તથા પંથકના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લીધોહતો.
કથાના ત્રીજા દિવસે વામન ભગવાનના પ્રાગટ્યનો પ્રસંગ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે મહિલાઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી તેમજ ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો. વામન ભગવાનના પ્રાગટ્ય પ્રસંગ દરમિયાન સમગ્ર કથાસ્થળ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.ભાગવતાચાર્ય શ્રી સોનુ કૃષ્ણ ઠાકુરજી મહારાજે કથાના માધ્યમથી જીવનમાં આવતાં દુ:ખો અને પડકારોને હિંમતપૂર્વક સ્વીકારી તેને પ્રગતિના પગથિયાં બનાવવાનો સંદેશ આપ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, દુ:ખના પથ્થરને પગથિયું બનાવે તેના જીવનમાં પ્રગતિ થાય છે. પોતે સુખી થવું અને બીજાને સુખી કરવા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે.શ્રીમદ્ ભાગવતના મહિમાનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું હતું કે, કલિકાળમાં શ્રીમદ્ ભાગવત પતિતપાવન અવિરત ભાગીરથી ગંગા સમાન છે. તેના દિવ્ય જ્ઞાનના સ્પર્શથી જીવ, જગત અને જગદીશ સાથે એકાત્મતાનો અનુભવ થાય છે. પરિવાર તથા સમાજમાં એકતા, સમજણ, નૈતિકતા અને પ્રેમનો ઉદય થાય છે. શ્રીમદ્ ભાગવતને કલ્પવૃક્ષ સમાન ગણાવી તેના દિવ્ય છાયામાં ભાવિકો આધ્યાત્મિક લાભ મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આ શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રે શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગિરિરાજ પૂજા અને છપ્પન ભોગ, શ્રી રૂક્મણી વિવાહ તથા શ્રી સુદામા ચરિત્ર સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
કથા દરમિયાન ભાવિકો માટે સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્ઞાનસરીતાના આ મંગલ અવસરે કાર્યકારી સમિતિના સેવા કર્મી તુલસીભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકર ભાઈ-બહેનો દ્વારા કથા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.વધુ માહિતી માટે
સેવા કર્મી શ્રી તુલસીભાઈ મકવાણા -મો. 98797-08130તથા
શ્રી મનીષભાઈ -મો. 99797-57750ઉપર સંપર્ક કરી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ