શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ અને સાઇકલિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે થયું આયોજન:સતર જેટલા સાયકલીસ્ટોએ સફર પુર્ણ કરી
પોરબંદરના શ્રીરામ શ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા સાયકલિંગનું આયોજન કરવામાં આવતા ચોટીલા સુધી 17 જેટલા સાયકલ રાઈડરોએ ટાર્ગેટ પુર્ણ કર્યો હતો.
પોરબંદરની નામાંકિત રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ અને પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા સંયુક્ત રીતે પોરબંદરથી ધાર્મિક અને પવિત્ર યાત્રાધામ ચોટીલા સુધીની બે દિવસીય સાહસિક સાયકલ રાઈડનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આસો નવરાત્રીના પાવન પર્વના પ્રારંભે આયોજિત આ રાઈડમાં પોરબંદરના 17 જેટલા સાયકલવીરોએ અદભુત આત્મવિશ્વાસ, ખેલદિલી અને જોશ સાથે ભાગ લીધો હતો.પ્રથમ દિવસે પોરબંદર થી ગોંડલ-કઠિન સેન્ચુરી રાઈડ (147 કિમી)રાઈડની શરૂઆત પ્રથમ દિવસે વહેલી સવારે 4:00 કલાકે ઉત્સાહસભર વાતાવરણમાં પોરબંદરથી થઈ હતી.ગોંડલ પહોંચતા પૂર્વે માર્ગમાં ડો.દર્શક પટેલના ફાર્મ પર રાઈડરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાદિષ્ટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો.રાઈડરોનો ઉત્સાહ વધારવા અને તેમને ટ્રીટ આપવા માટે ડો. દર્શક પટેલ પોતે 63 કિલોમીટર સાયકલ ચલાવીને સાથે આવ્યા હતા, જે તમામ રાઈડરો માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું હતું.સવારે 10:00 વાગ્યા પછી સૂર્યનારાયણના પ્રકોપ સાથે અસહ્ય ગરમી અને તીવ્ર તડકો શરૂ થયો હતો. આ ઉપરાંત, સામેથી આવતા જોરદાર પવન અને માર્ગમાં આવતા અનેક ફ્લાયઓવર્સ તથા ચઢાવ-ઉતારે રાઈડરોની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી કરી હતી.આવી વિપરીત અને અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં તમામ 17 રાઈડરોએ હિંમત હાર્યા વગર બપોરે 2:00 વાગ્યા સુધીમાં 147 કિલોમીટરની રાઈડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. સાયકલિસ્ટોના મતે એક પરિપક્વ અને અનુભવી સાયકલિસ્ટ બનવા માટે આવી પડકારજનક સેન્ચુરી રાઈડ કરવી ખૂબ જ અનિવાર્ય છે, જે કોઈ પણ સંજોગોનો સામનો કરવાની ક્ષમતા આપે છે.બીજા દિવસે પણ સવારે બરાબર 4:00 વાગ્યે રાઈડનો બીજો તબક્કો શરૂ થયો હતો.આ રાઇડમાં ગોંડલ સાયકલિંગ ક્લબના 5 ઉત્સાહી સભ્યો પણ પોરબંદરના રાઈડરો સાથે જોડાયા હતા.આહલાદક વાતાવરણમાં સાયકલિંગ કરી સવારે 9:45 વાગ્યા આસપાસ તમામ સાયકલવીરો ચોટીલા ધામ ખાતે પહોંચી ગયા હતા. ચોટીલા પહોંચીને તમામ રાઈડરોએ ફ્રેશ થઈને આસો નવરાત્રીના પ્રથમ દિવસે જ ડુંગર પર બિરાજમાન જગતજનની મા ચામુંડાના દિવ્ય દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને સમગ્ર રાઈડની નિર્વિઘ્ન પૂર્ણતા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ અને સમગ્ર રાઈડ દરમિયાન સાયકલિસ્ટોમાં સતત જોશ અને ઉર્જા જાળવી રાખવા બદલ સાયકલીસ્ટોએ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબનાં હોદેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.