ભરણપોષણના કેસના સમાધાન માટે રાણાવાવ બોલાવ્યા બાદ રોડ ઉપર મારકૂટ કરવા લાગ્યો:પતિને અન્ય યુવતી સાથે અફેર હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યુ
કોર્ટ મેરેજ કરનાર રાણાવાવની પરીણીતાને રતનપર રહેતા પતિએ ત્રાસ આપ્યો હતો અને સમાધાન માટે બોલાવ્યા બાદ રોડ ઉપર મારકૂટ કરવા લાગ્યો હતો પતિને અન્ય યુવતી સાથે અફેર હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યુ છે. રાણાવાવના મફતીયા પરામાં પશુ દવાખાના પાસે રહેતી પુંજાબેન ઉર્ફે પ્રફુલ્લાબેન નેભાભાઇ ઓડેદરા નામની 35 વર્ષની મહિલાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવી છે કે 15 વર્ષ પહેલા તેના લગ્ન દીપક ત્રિવેદી સાથે થયા હતા અને સંતાનમાં એક દીકરી ભુવનેશ્ર્વરીનો જન્મ થયો હતો ત્યાર પછી પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા છૂટાછેડા લીધા હતા અને દીકરી ભુવનેશ્ર્વરીનો કબ્જો ફરીયાદી પુંજાબેને સંભાળ્યો હતો અને હાલ તે 14 વર્ષની છે.
વર્ષ 2018માં પુંજાબેને રતનપર રહેતા નેભા ભીખુ ઓડેદરા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને બંને સારી રીતે રહેતા હતા. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ નેભો પત્ની પુંજાને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. ઘરમાં કામકાજ બાબતે અને નાની નાની બાબતમાં ઝઘડો કરી મારકૂટ શરૂ કરી દેતો હતો ‘તને કાંઇ આવડતુ નથી, તું કાંઇ કામ કરતી નથી ’ તેમ કહીને મેણાટોણા મારતો હતો. પરંતુ પુંજાબેનને ઘર ચલાવવુ હોવાથી બધુ સહન કરતી હતી. અવારનવાર નેભો મારકૂટ કરીને ઘરેથી કાઢી મૂકતો હતો પરંતુ વડીલોએ વચ્ચે પડીને સમાધાન કરાવતા હોવાથી તે પતિ સાથે રહેતી હતી.
વર્ષ 2025ની સાલમાં નેભાને છાયામાં રહેતી એક યુવતી સાથે અફેર હોવાનું જાણવા મળતા આ બાબતની પતિને વાત કરતા તે ઉશ્કેરાઇને મારવા લાગ્યો હતો અને ‘આ બધુ તો થશે તારાથી થાય એ કરી લેજે’ તેમ કહી ત્રાસ આપતો હતો. જેથી પતિથી કંટાળીને અલગ થઇ ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઇ હતી. ત્યાં પણ ખોટી રીતે હેરાન કરી અવારનવાર ઘરે આવી તથા રસ્તામાં રોકી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી આ બાબતે પતિ નેભા વિરૂધ્ધ પોરબંદરની કોર્ટમાં ભરણપોષણનો કેસ કરેલ છે અને એ કેસ હાલમાં ચાલુ છે. તા.29-9-26ના ફરીયાદી પુંજાબેન ઓડેદરા પોરબંદર હતા ત્યારે પતિ નેભા ભીખુ ઓડેદરાએ ફોન કરીને ‘હું બાપા સીતારામના ઓટલા પાસે ઉભો છું આપણે બંને કેસમાં ઘરમેળે સમાધાન કરી લઇએ’ તેવી વાત કરતા પુંજા રાણાવાવ જવા નીકળી ગઇ હતી અને બાપા સીતારામના ઓટે પહોંચી ત્યારે પતિ પત્ની ફરીયાદ બાબતે વાતચીત કરતા હતા એ દરમ્યાન નેભો એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્ની પુંજાને ગાળો આપી ત્યાં રોડ ઉપરજ મારકૂટ કરવા લાગ્યો હતો અને ‘જો તું મારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ’ એી ધમકી આપી હતી આથી પુંજાએ પોલીસને 112માં ફોન કરતા નેભો ત્યાંથી ભાગી ગયો હતો. આથી અંતે પુંજા ઉર્ફે પ્રફુલ્લા ઓડેદરાએ રતનપર રહેતા તેના પતિ નેભા ભીખુ ઓડેદરા વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે.