માતાએ હોમવર્ક બાબત ઠપકો આપતા પુત્ર જામનગર ચાલ્યો ગયો

ઉદ્યોગનગર પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનીકલ મદદથી શોધી કાઢી પરિવારજનોને સોંપ્યો

પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનામાં રહેતા એક કિશોરને હોમવર્ક બાબતે તેની માતાએ ઠપકો આપતા તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો જે જામનગર ખાતે તેના મામાના ઘરે પહોંચી જતા પોલીસે શોધીને પરત આપ્યો હતો.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ નિરીક્ષક સુરજીત મહેડુ તથા ભાવનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ ગઇ તા. 20-10-2026ના રોજ સાડા નવેક વાગ્યાના સમયે પોરબંદર બોખીરા આવાસ કોલોનીમાં રહેતા બાળક સનમ હબીબભાઇ સેતા ઉ.વ. 15ને તેની માતાએ સ્કૂલનું લેશન કરવા જણાવતા સનમ ગુસ્સે થઇ ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર પોતે પોતાની મેળે જતો રહેલ હતો. જેને શોધી કાઢવા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનીકલની મદદથી એ.એસ.આઇ. ભાવીનભાઇ પ્રવીણભાઇ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશાલ રવજીભાઇને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ગુમ થનાર બાળક સનમ જામનગર ખાતે રહેતા તેના મામાને ઘરે જતો રહેલ હોવાની હકીકતના આધારે શોધી કાઢી તેના પરિવારને સોંપી આપતા ગુમ થનાર બાળકના પરિવારે પોરબંદર પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.
આ કામગીરી પી.આઇ. એમ. ડી.વાળા તથા એ.એસ.આઇ. ભાવીનભાઇ પ્રવીણભાઇ, હેડ કોન્સ્ટેબલ વિશાલભાઇ રવજીભાઇ, વિજયસિંહ ભોજુભા, ભરતભાઇ નાથાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ જેન્તીલાલ, કનકસિંહ પરાક્રમસિંહ, ભૌતિકભાઇ હરીભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ