પોરબંદર મહાનગરપાલિકાને હાઈકોર્ટનો ઝટકો

4 કર્મચારીઓની ગ્રેચ્યુઈટી અંગેની અપીલ રદ:મહાનગરપાલિકાએ રાજકોટ ખાતે એપેલેટ ઓથોરીટી સમક્ષ કરી હતી અપીલ: 10% વ્યાજ સાથે ચુકવવા હુકમ

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોતાના જ નિવૃત કર્મચારીઓની મરણમૂડી સમાન ગ્રેચ્યુઈટી ન ચુકવવાના મામલે વધુ એક વખત ન્યાયતંત્ર સમક્ષ હાર થઈ છે. મહાનગરપાલિકાએ 4 કર્મચારીઓ સામે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અપીલ હાઈકોર્ટે રદ કરી છે અને ગ્રેચ્યુઈટીની રકમ 10% વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ યથાવત રાખ્યો છે.
પોરબંદરના નિવૃત કર્મચારીઓ સરમણ કાના હુંણ, ભીખુ હમીર કટારા, જશુબેન જેન્તીલાલ અને જગદીશ ઉમિયાશંકર ભટ્ટ ને નિવૃતિ બાદ ગ્રેચ્યુઈટીની રકમ ન મળતા તેઓએ પોરબંદરના જાણીતા એડવોકેટ રૂષિ વિજયકુમાર પંડ્યા મારફત ગ્રેચ્યુઈટી કંટ્રોલિંગ ઓથોરીટી સમક્ષ કેસ દાખલ કર્યો હતો.
કંટ્રોલિંગ ઓથોરીટીએ કર્મચારીઓની તરફેણમાં હુકમ કરી વસુલાત સુધી 10% વ્યાજ સાથે રકમ ચુકવવા મહાનગરપાલિકાને આદેશ કર્યો હતો. જેની સામે મહાનગરપાલિકાએ રાજકોટ ખાતે એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ કરી હતી, ત્યાં પણ કર્મચારીઓની તરફેણમાં હુકમ થયો હતો.ત્યારબાદ મહાનગરપાલિકાએ ચુકવણીમાં વિલંબ કરવાના ઈરાદે ગુજરાત હાઈકોર્ટમાં ચારેય કર્મચારીઓ સામે અલગ-અલગ અપીલો દાખલ કરી હતી. તાજેતરમાં નામદાર હાઈકોર્ટે એડવોકેટ પંડ્યાની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાને લઈ મહાનગરપાલિકાની તમામ અપીલો રદ કરી છે અને 10% વ્યાજ સાથે ગ્રેચ્યુઈટી ચુકવવાનો હુકમ યથાવત રાખ્યો છે.આ હુકમથી નાના કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ છે.એડવોકેટ રૂષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોઈપણ કર્મચારીને પોતાના હક-હિતથી વંચિત રાખી શકાય નહીં. કાયદાકીય લડતથી કર્મચારીઓને વ્યાજ અને ખર્ચ સહિત ન્યાય મળ્યાનો અહેસાસ થાય છે.

રિલેટેડ ન્યૂઝ