રમી રહેલા બાળકોનો થયો ચમત્કારિક બચાવ: સમારકામ કરાવવા માટે કોઇની બલી ચડે તેની મનપાનું તંત્ર રાહ જુએ છે?: સ્થાનિક રહેવાસીઓએ ઠાલવ્યો આક્રોશ
પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનાની 51મી બિલ્ડીંગમાં લોબીની છત ધડાકાભેર પડી હતી.
પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીનો બીજો નમૂનો બોખીરા વિસ્તારમાં જોવા મળ્યો. ગરીબો માટે બનાવવામાં આવેલી 2448 વાળી આવાસ યોજનાના મકાનો આજે ગરીબો માટે મોતનું ઘર બની ગયા છે.ગઇકાલે સાંજે આવાસ યોજનાના બિલ્ડિંગ નંબર 51 ની લોબીમાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. બાળકો લોબીમાં રમી રહ્યા હતા ત્યારે અચાનક છતનો મોટો પોપડો અને પ્લાસ્ટર ધડાકા સાથે નીચે પડ્યું. અચાનક થયેલા આ બનાવથી બાળકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ચીસાચીસ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ બાળકને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ જો બે સેક્ધડનો ફર્ક પડ્યો હોત તો કોઈ મોટી જાનહાનિ થઈ શકી હોત.
અવારનવાર પોપડા પડે છે,
તંત્ર જાગતું નથી
અહીં રહેતા લોકોનું કહેવું છે કે આ કોઈ નવી વાત નથી. છેલ્લા ઘણા મહિનાઓથી આવાસના મકાનોની છતમાંથી સતત પોપડા પડી રહ્યા છે. દિવાલોથી માંડીને પીલરો સુધી તમામ જર્જરિત હાલતમાં છે. ચોમાસામાં તો છતમાંથી પાણી ટપકે છે અને આખું બિલ્ડિંગ જાણે ધ્રુજતું હોય એવું લાગે છે. રહીશોએ અનેક વાર મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તંત્ર દ્વારા દર વખતે એવું કહેવામાં આવે છે કે સમારકામ માટે કરોડો રૂપિયા મંજૂર થઈ ગયા છે, ટેન્ડર થઈ ગયું છે, ટૂંક સમયમાં કામ શરૂ થશે. પરંતુ આ વાતો માત્ર કાગળ પર જ રહે છે. ગ્રાઉન્ડ પર એક ઈંટ પણ મુકાઈ નથી.
શું કોઈનો જીવ
જશે પછી તંત્ર જાગશે?
ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક રહીશે આક્રોશ સાથે કહ્યું હતું કે, શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે? કોઈ બાળક કે વૃદ્ધનો જીવ જશે પછી સમારકામ થશે? અમે ગરીબ છીએ એટલે અમારો જીવ સસ્તો છે? દિવાલો અને પીલરો એટલા જર્જરિત છે કે અમે રોજ ડરમાં જીવીએ છીએ.
મહાનગરપાલિકાના તંત્રની આ ઘોર બેદરકારી સામે હવે લોકોનો ધીરજ ખૂટી રહ્યો છે. જો આ જર્જરિત આવાસ યોજનાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે અને કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પૂરી શક્યતા છે, જેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે.
