જિલ્લા વહીવટીતંત્રએ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર મૂકયો પ્રતિબંધ:ચોપાટી, રીવરફ્રન્ટ, બજાર, શેરી, ગલી, જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી શકાશે નહી તેવુ બહાર પડયુ જાહેરનામુ: હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સ્થળ અને કોર્ટની 100 મીટરની ત્રિજ્યાને સાયલેન્ટ ઝોન જાહેર કર્યા
પોરબંદરમાં દીવાળી ઉપર ફટાકડા ફોડવા માટે પોતાના ઘર સિવાય કોઇ જ વિકલ્પ તંત્રએ બચવા દીધો નથી અને લોકો પોતાના ઘરમાંજ ફટાકડા ફોડી શકે તે પ્રકારની ચિત્ર-વિચિત્ર નિયમનો સાથેની ગાઇડલાઇનનું જાહેરનામુ બહાર પડયુ છે. જેમાં ચોપાટી, રીવરફ્રન્ટ, બજાર, શેરી, ગલી, જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી શકાશે નહી તેવુ જાહેર કરવામાં આવ્યુ છે.
પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી.મિયાત્રાએ વિવિધ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
પોરબંદર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(બી) તથા કલમ-33(1)(યુ) અન્વયે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવાના સમય દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે તેમજ રાત્રિના 10 થી સવારના 06 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહી. અને સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર પેસો સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસીમલ લેવલ) વાળા જ ફટાકડા વેચી તેમજ વાપરી શકાશે અને પેસો ધ્વારા અધિકૃત તેમજ માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર પેસો ની સુચના પ્રમાણેનું માર્કીંગ હોવું જરૂરી છે.
હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. અને કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત સંગ્રહ, વેચાણ કરી વેચાણ કરી શકશે નહી અને ઇ-કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી, ઓનલાઇન વેચાણ કરી શકાશે નહી.
લોકોને અગવડ ઉભી ન થાય, કોઇ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માવતી રીવર ફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પમ્પ, એલ.પી.જી. / બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.
તેમજ કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ તેમજ આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકશે નહી. તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.અને ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ ધ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓને સુપ્રિમ કોર્ટના તા.23/10/2018 ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.
સ્થાનિક કક્ષાએ સિનેમાગૃહો, લોકલ કેબલ ઓપરેટરોએ આ પ્રકારની જાહેરાતો અચૂકપણે દર્શાવવાની રહેશે. આ જાહેરનામું તા. 24/11/2026સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-23 માં જણાવેલ શિક્ષાને પાત્ર રહેશે.
